મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ન્યૂયોર્કના મેયર બને તેવી પ્રબળ શક્યતા
- મુંબઈમાં જન્મેલા ઝોહરાનના પિતા મહેમૂદ ગુજરાતી મૂળના છે
- ડેમોક્રેટિક પાર્ટીના પ્રાઈમરી ઈલેક્શનમાં ઝોહરાને ત્રણ વખત ગવર્નર રહી ચૂકેલા એન્ડ્રુ કુઓમોને હરાવ્યા : 4થી નવેમ્બરે ચૂંટણી
ન્યૂયોર્ક : ભારતીય મૂળના વિખ્યાત ફિલ્મસર્જક મીરાં નાયરના દીકરા ઝોહરાન મામદાની ડેમોક્રેટિક પાર્ટીનું પ્રાઈમરી ઈલેક્શન જીતીને ન્યૂયોર્ક શહેરના મેયર બનવાની સ્પર્ધામાં છે. તેમણે ત્રણ ટર્મ સુધી ન્યૂયોર્કના ગવર્નર રહી ચૂકેલા ન્યૂયોર્કના જાણીતા નેતા એન્ડ્રુ કુઓમોને પરાજય આપીને ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવી છે. ઝોહરાન મામદાનીના પિતા મહેમૂદ મામદાની ગુજરાતી મૂળના છે. તેમનો જન્મ ગુજરાતી પરિવારમાં મુંબઈમાં થયો હતો.
ન્યૂયોર્ક શહેરમાં આગામી ૪થી નવેમ્બરે મેયરની ચૂંટણી થવાની છે. અત્યારે શહેર પર ડેમોક્રેટિક પાર્ટીનું જ શાસન છે.
૨૦૨૧માં ડેમોક્રેટિક પાર્ટીના એરિક એડમ્સ મેયર બન્યા હતા. પરંતુ હવે પછીની ટર્મમાં એરિક એડમ્સ અપક્ષ ઉમેદવાર બનવાના હોવાથી ડેમોક્રેટિક પાર્ટીમાં ઉમેદવારી માટે પ્રાઈમરી ઈલેક્શન યોજાયું હતું. એમાં ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રૂ કુઓમોએ પણ ઝંપલાવ્યું હતું. ત્રણ-ત્રણ વખત ન્યૂયોર્કના ગવર્નર રહેલા એન્ડ્રૂને પ્રાઈમરી ઈલેક્શનમાં હરાવીને ઝોહરાન મામદાનીએ ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવી છે.
આ ઝોહરાન મામદાની ભારતીય મૂળના ફિલ્મ સર્જક મીરાં નાયરના દીકરા છે. તેમના પિતા મહેમૂદ મામદાની ગુજરાતી મૂળના છે. મુંબઈ રહેતા ગુજરાતી પરિવારમાં મહેમૂદનો જન્મ થયો હતો. એ પછી તેમનો પરિવાર યુગાન્ડા સ્થાઈ થયો હતો. ત્યાંથી ઈદી અમીને સૌ વિદેશીઓને હાંકી કાઢ્યા ત્યારે તેમનો પરિવાર અમેરિકા સ્થાઈ થયો હતો.
૨૦૨૧થી ડેમોક્રેટિક પાર્ટીમાં કાર્યરત ઝોહરાન મામદાની અત્યારે ૩૩ વર્ષના છે. ઝોહરાન ન્યૂયોર્ક શહેરના મેયર બનશે તો ઈતિહાસ રચાશે. નવેમ્બરમાં તેમનો સીધો મુકાબલો વર્તમાન મેયર એરિક એડમ્સ અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સિલ્વા સામે થશે.
ઝોહરાન મામદાનીના માતા-પિતા
મીરાં નાયર (માતા) મહેમૂદ મામદાની (પિતા)
ઓડિશામાં જન્મ મુંબઈમાં જન્મ
ફિલ્મમેકર પ્રોફેસર
- ઝોહરાનના માતા મીરાં નાયર ફિલ્મમેકર છે. મીરાબાઈ ફિલ્મ્સ નામની કંપની છે. તેમણે સલામ બોમ્બે, મિસિસિપ્પી મસાલા, ધ નેમસેક, ગોલ્ડન લાયન જેવી ફિલ્મો બનાવી છે. તેમને ભારત સરકારે ૨૦૧૨માં પદ્મભૂષણ આપીને સન્માનિત કર્યા હતા.
- ઝોહરાનના પિતા મહેમૂદ પ્રોફેસર છે. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. કોલંબિયા યુનિવર્સિટીના આફ્રિકન સ્ટડીઝ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. મેકેરી સોશિયલ રિસર્ચ ઈન્સ્ટીટયૂટના ડિરેક્ટર છે. મીરાં નાયરના પ્રેમમાં પડયા પછી બંનેએ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા.