બ્રાઝિલમાં 700 કિલો સોનું મેળવીને 900 કરોડ કમાયેલા ખાણિયાએ દેવાળીયું ફૂંક્યું, કારણ બેંક!

- સોનાના ખનન પર પ્રતિબંધ હોવાથી સેંકડો ખાણિયા હવે બેકાર
- એક સમયે બે વિમાનો ખરીદનારો ઓસોરિયો નામનો ખાણિયો હવે 43 વર્ષ બાદ ફરીથી એ જ સ્થળે ગુપ્ત રીતે ખનન કરીને કિસ્મત અજમાવી રહ્યો છે
Brazil News : બ્રાઝિલમાં અત્યારે સોનાની ખાણોમાં સુરક્ષાના કારણોથી ખાણિયાઓને ખનની પરવાનગી મળતી નથી, પરંતુ એક સમયે ખાણિયાઓ કિસ્મત અજમાવી શકતા હતા. એવી જ રીતે ચીકો ઓસોરિયો નામનો ખાણિયો કિસ્મત અજમાવીને 700 કિલો સોનું મેળવવા નસીબદાર બન્યો હતો અને 914 કરોડનો માલિક થયો હતો. જોકે, જે બેંકમાં એની બચત હતી એણે દેવાળિયું ફૂંકી દેતાં એ નસીબદાર ખાણિયો બેહાલ બની ગયો છે અને હવે ફરીથી નસીબ અજમાવવા ગુપ્ત રીતે ખનન કરી રહ્યો છે.
બ્રાઝિલમાં આવેલાં પેરા રાજ્યમાં સેરા પેલાડા ગામે આવેલી સોનાની ખુલ્લી ખાણમાંથી ગેરકાયદે સોનું મેળવવા માટે ખાણિયાઓ બ્રાઝિલની સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે. જુની ખાણની પાસે ખોદેલાં ખાડાના પ્રવેશદ્વાર સામે તાકી ખાણિયા ચીકો ઓસોરિયોએ જણાવ્યું હતું કે અમે સોનાથી ત્રણ મીટર જ દૂર છીએ.
સેરા પેલાડામાં સોનું મળ્યું હોવાની ખબર રેડિયો પર સાંભળી ઓસોરિયો 1982 માં સેરા પેલાડા સોનાની શોધમાં આવ્યો હતો. ઓસોરિયોએ લગભગ 700 કિલો સોનુ મેળવ્યું હતું. જેમાંથી તેને અંદાજે 900 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જેમાંથી તેણે અડધો હિસ્સો બેન્કમાં જમા કરાવ્યો હતો અને બીજા હિસ્સામાંથી વિમાન ખરીદ્યું હતું. આસોરિયોએ જે બેન્કમાં તેની કમાણી જમા કરાવી હતી તે ડૂબી જતાં ઓસોરિયોએ દેવાળું ફૂંક્યું હતું. આજે ઓસોરિયોની જેમ અનેક ખાણિયાઓ તેમની કિસ્મત ફરી ચમકાવવા સેરા પેલાડામાં ફરી ગુપ્ત રીતે સોનાની ખાણોમાં ખોદકામ કરવા માંડયા છે. તેમની આ ગેરકાયદે ગુપ્ત સોનુ મેળવવાની કામગીરીમાં તેઓ સોનાને માટીમાંથી અલગ પાડવા પારો વાપરતાં હોઇ પર્યાવરણવાદીઓની ચિંતા વધી ગઇ છે.
1983માં ઓસોરિયો જેવા એક લાખ ખાણિયાઓએ સોનુ મેળવવા માટે પાવડાં અને કોદાળી ચલાવ્યા હતા. તેઓ 50 કિલોના સોનાના ગચ્ચીયા થેલીઓમાં ભરી ઘર ભેગાં કરતા હતા. સાત વર્ષમાં આ ખાણમાંથી 45 ટન સોનુ મેળવવામાં આવ્યું હતું. જેમાંથી નેવુ ટકા સોનાની દાણચોરી કરી તેને કાળાં બજારમાં વેચી મારવામાં આવ્યું હતું.
જો કે, સોનાના ગેરકાયદે ખોદકામ સામે પોલીસ કાર્યવાહી કરતી હોવા છતાં 65 વર્ષના એક સ્થાનિક વેપારી કાર્લોસ ઓરેલિયોએ જણાવ્યું હતું કે અમને દર અઠવાડિયે સરેરાશ 200 ગ્રામ સોનાના ગચ્ચિયા મળે છે. અગાઉની જેમ આ ટનબંધ સોનુ નથી પણ સોનાનો ખજાનો ખાલી થયો નથી તેનો આ પુરાવો છે. કાર્લોસ તેના સોનાના ગચ્ચીયાને પ્લાસ્ટિકના ડબ્બામાં સાચવી રાખે છે.

