નેતન્યાહુની મુશ્કેલી વધી, ગાઝા પર કબજો કરવા વિરુદ્ધ ઈઝરાયલમાં જ લાખો લોકો માર્ગો પર ઊતર્યા
israel vs Gaza news : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુનો ગાઝા શહેર પર કબજો કરવાના ખતરનાક પ્લાન અંગે ઘણા દેશો ગુસ્સે ભરાયા છે, ત્યારે ઇઝરાયલમાં જ હવે તેમની સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. શનિવારે, ઇઝરાયલના તેલ અવીવમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવાની માંગ કરી હતી.
નેતન્યાહુનું ટેન્શન વધાર્યું
ઇઝરાયલી સરકારે ગાઝા શહેર પર કબજો કરવાના પ્લાનને મંજૂરી આપ્યાના એક દિવસ પછી આ દેખાવ કરાયા હતા. દેખાવકારોએ હમાસની કેદમાં રહેલા બંધકોની તસવીરો અને બેનરો લહેરાવ્યા હતા અને સરકારને તેમની મુક્તિ માટે વાટાઘાટો કરવા કહ્યું હતું. દરમિયાન, તૂર્કીયેએ મુસ્લિમ દેશોને એક થવા અપીલ કરી છે.
તૂર્કીયેની મુસ્લિમ દેશોને અપીલ
તૂર્કીયેના વિદેશમંત્રી હકાન ફિદાને ગાઝા શહેર પર કબજો કરવાની ઇઝરાયલની યોજનાને 'ખતરનાક અને ગેરકાયદેસર' ગણાવી હતી. તૂર્કીયેએ તેને ઇઝરાયલની 'નરસંહાર અને વિસ્તરણવાદી નીતિઓ'નો નવો તબક્કો ગણાવ્યો હતો, જ્યારે ઇઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
ઓઆઈસીની બેઠક યોજાશે
દેખાવોમાં સામેલ એક મહિલાએ ચેતવણી આપી હતી કે, 'નેતન્યાહુ, જો ગાઝા પર હુમલો કરવામાં આવશે અને બંધકોને મારી નાખવામાં આવશે, તો અમે દરેક શેરીમાં, દરેક ચૂંટણીમાં તમારો પીછો કરીશું.' 2023 માં, હમાસના હુમલામાં 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 49 હજુ પણ ગાઝામાં કેદમાં છે. તેમાંથી 27 લોકોના મોત થયાના અહેવાલ છે. હવે એવા અહેવાલ છે કે ઓઆઈસી દ્વારા ઈઝરાયલના ખતરનાક પ્લાન વિરુદ્ધ ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.