'લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, અમેરિકાને મોટું નુકસાન થશે...' મસ્કે ફરી ટ્રમ્પને કેમ ચેતવ્યાં
Donald Trump And Elon Musk news : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 'કરમાંથી મુક્તિ, ખર્ચમાં ઘટાડો' અને ડિપોર્ટેશન માટેના ભંડોળમાં વધારો કરવા અંગે રજૂ કરાયેલા બિલ બાદ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં હોબાળો મચી ગયો છે. જોકે આ બિલ તેના મહત્વપૂર્ણ પ્રક્રિયાગત તબક્કાને ભાગ્યે જ પાર કરી શક્યું છે. જોકે હવે તેને લઈને ભારે માથાકૂટ શરૂ થઇ છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી ઈલોન મસ્ક પણ આ બિલથી સૌથી વધુ નારાજ હોય તેવું લાગે છે. તેમણે ટ્રમ્પ સરકારના આ નિર્ણયને "પાગલપનથી ભરેલો વિનાશક નિર્ણય" ગણાવ્યો છે. અમેરિકાની સરકાર પણ આ બિલથી આશ્ચર્યચકિત છે.
બિલ ક્યારે પસાર થવાનું છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા આ બિલને પસાર કરવાની અંતિમ તારીખ 4 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ અંગે શનિવારે મોડી રાત્રે સેનેટની બેઠક પણ યોજાઈ હતી. આ દરમિયાન, પ્રથમ પ્રક્રિયાગત તબક્કામાં મતદાન થયું. આ બિલના પક્ષમાં 51 મત પડ્યા જ્યારે તેની વિરુદ્ધ 49 મત પડ્યા. બંને મત સમાન હોય તો 'ટાઈ બ્રેક' માટે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ ગૃહમાં હાજર હતા. જ્યારે વિપક્ષી સાંસદો વાટાઘાટો માટે ભેગા થયા, ત્યારે ગૃહમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ અને મડાગાંઠને કારણે કલાકો સુધી મતદાન સ્થગિત રહ્યું. પરંતુ આખરે તેણે તેનો પહેલો અવરોધ પાર કર્યો. જોકે હજુ આ બિલ સામેના પડકારો ઓછા થયા નથી.
ઈલોન મસ્કે શું કહ્યું?
અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કે આ બિલ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે ફરી એકવાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપક કર અને ખર્ચ ઘટાડા બિલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. મસ્કે કહ્યું કે રિપબ્લિકન પાર્ટીના સાંસદો જે બિલ પસાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે અત્યંત વિનાશક છે... તે નોકરીઓ અને ઉભરતા ઉદ્યોગોને ખતમ કરશે. મસ્કે શનિવારે 'X' પર લખ્યું કે, "સેનેટનું નવું ડ્રાફ્ટ બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને ભારે વ્યૂહાત્મક નુકસાન પહોંચાડશે."
'રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય આત્મહત્યા'
ઈલોન મસ્કે ટ્રમ્પના આ બિલને 'રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય આત્મહત્યા" જેવું પગલું ગણાવ્યું છે. તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સેનેટને લગભગ 1,000 પાનાના બિલ પર ખુલ્લી ચર્ચા માટે મતદાન કરવાનું છે. તેમણે કહ્યું, 'જ્યારે આનાથી જૂના ઉદ્યોગોને ફાયદો થશે, તે ઉભરતા ઉદ્યોગોને ગંભીર નુકસાન પહોંચાડે છે.' ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓએ પાછળથી એક પોસ્ટમાં લખ્યું હતું કે આ બિલ રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય આત્મહત્યા ગણાશે.