Get The App

બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓ સામે લાખો અંગ્રેજો રસ્તા પર

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓ સામે લાખો અંગ્રેજો રસ્તા પર 1 - image


અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ પછી હવે બ્રિટનમાં 'વંશીય' દેખાવો

કટ્ટર જમણેરી નેતા રોબિન્સનની રેલીમાં ઈલોન મસ્ક, ફ્રાન્સના એરિક ઝેમોદ સહિતના નેતાઓનું પણ સમર્થન : ઈસ્લામ વિરોધી સૂત્રોચ્ચાર પણ થયો

'યુનાઈટેટ ધ કિંગ્ડમ' બેનર હેઠળ વસાહતી વિરોધી સમર્થકોએ મારામારી કરતા 26 પોલીસ જવાન ઘાયલ, 25ની ધરપકડ

લંડન: દુનિયામાં શ્વેત અને અશ્વેત વિશેષરૂપે વસાહતીઓ વિરુદ્ધ ગજગ્રાહ વધી રહ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ દેખાવો થયા પછી હવે બ્રિટનની રાજધાની લંડનમાં ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલની માગ કરતા એક લાખ કરતાં વધુ લોકોએ દેખાવો કર્યા હતા. બ્રિટનના કટ્ટર જમણેરી નેતા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં 'યુનાઈટેટ ધ કિંગ્ડમ' બેનર હેઠળ લંડનના વ્હાઈટ હોલ ક્ષેત્રમાં વિશાળ રેલી યોજાઈ હતી, જે સંસદ ભવન નજીક ખતમ થઈ હતી. બીજીબાજુ આ જ સ્થળે 'રંગભેદ', 'ફાસીવાદ' વિરુદ્ધ કાઉન્ટર રેલી યોજાઈ હતી. જેથી બંને સમર્થકો આમને-સામને આવી ગયા હતા.

બ્રિટિશ સંસદ ભંગ કરવા, સ્ટાર્મર સરકાર બદલવાની માગ કરતા ઈલોન મસ્કે કહ્યું, સ્થાનિક લોકોએ લડવું અથવા મરવું પડશે

બ્રિટનના વિવાદાસ્પદ કટ્ટરવાદી જમણેરી નેતા ટોમી રોબિન્સને શનિવારે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જેમાં એક લાખથી વધુ લોકો યુરોપીયન અને બ્રિટિઝ ઝંડા તથા સેન્ટ જ્યોર્જ ક્રોસ સાથે દેખાવો કર્યા હતા. તેમણે અમને અમારો દેશ પાછો જોઈએ છે, ગેરકાયદે વસાહતીઓને દેશનિકાલ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ઈસ્લામ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. આ રેલી યોજનાર ટોમી રોબિન્સનને આ વર્ષે જ જેલમાંથી છોડાયા હતા.

ટોમી રોબિન્સનની રેલીના વિરોધમાં 'સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ' નામના એક જૂથે પણ કાઉન્ટર રેલી યોજી હતી. બંને રેલીના સમર્થકોને આમને-સામને આવતા રોકવા મેટ્રોપોલિટન પોલીસે સમગ્ર લંડનમાં ૧,૬૦૦થી પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા હતા. દિવસ દરમિયાન મોટાભાગે શાંતિપૂર્ણ દેખાવો થયા હતા. પરંતુ બપોર પછી અચાનક કટ્ટરવાદી સમર્થકોના નાના જૂથે પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરી હતી અને તેમના પર બોટલો ફેંકી હતી, જેના પગલે ૨૬ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. પોલીસે હેટ ક્રાઈમ અને હુમલા અંગે ૨૫ દેખાવકારોની ધરપકડ કરી હતી અને અનેક લોકોની ઓળખ કરી હતી, જેમને ઘર્ષણ બદલ જવાબદાર ઠેરવવામાં આવશે.

ટોમી રોબિન્સનની આ રેલીને અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક, ફ્રાન્સના કટ્ટર જમણેરી નેતા એરિક ઝેમોદ સહિત યુરોપના અન્ય જમણેરી નેતાઓનું પણ સમર્થન મળ્યું હતું. ઈલોન મસ્ક વર્ચ્યુઅલ રીતે રેલીમાં જોડાયા હતા. દેકાવકારોએ કીર સ્ટાર્મર સરકારને બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓને પ્રવેશતા રોકવા, દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે અને બ્રિટિશ સંસ્કૃતિ અને ઓળખની રક્ષા કરવાની માગ કરી હતી. દેખાવકારોએ રેલીમાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ 'સ્ટોપ ધ બોટ્સ' અને 'સેન્ડ ધેમ આઉટ' જેવા બેનરો દર્શાવી આક્રમક વલણ દર્શાવ્યું હતું.

આ રેલીનું નેતૃત્વ કરનાર ટોમી રોબિન્સનનું મૂળનામ સ્ટીફન યાક્સવી લેનોન છે. 

તેમણે ૨૦૦૯માં નેશનાલિસ્ટ અને એન્ટી ઇસ્લામ ઇંગ્લીશ ડીફેન્સ લીગની સ્થાપના કરી છે. કટ્ટર જમણેરી વિચારધારા ધરાવતા રોબિન્સન પર અનેક કેસો થયા હતા તથા તેઓ અનેક વખત જેલમાં પણ જઇ આવ્યા છે. 

રોબિન્સને રેલીમાં સમર્થકોને સંબોધન કરતા કહ્યું, 'આજે ગ્રેટ બ્રિટનમાં સાંસ્કૃતિક ક્રાંતિની આગ છે, આ જ આપણા માટે તક છે. કાયદા અને કોર્ટોમાં હવે ગેરકાયદે વસાહતીઓને સ્થાનિક સમુદાયની સરખામણીમાં વધુ અધિકારો મળે છે અને તે બ્રિટિશ જનતા માટે ન્યાયપૂર્ણ નથી.' આ રેલીમાં વીડિયો લિંકથી જોડાતા મસ્કે બ્રિટિશ સંસદ ભંગ કરવા અને સરકાર બદલવાની માગ કરી હતી. ગેરકાયદે પ્રવાસીઓનો ધસારો ચાલુ રહેશે તો સ્થાનિક લોકોએ લડવું પડશે અથવા મરવું પડશે. આ રેલીમાં મસ્કની હાજરીને અમેરિકા અને ઈંગ્લેન્ડના કટ્ટરવાદી જમણેરીઓના આંદોલનના આંતરરાષ્ટ્રીય જોડાણના સંકેત તરીકે જોવામાં આવે છે.

- પોલેન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડમાં વસાહતીઓ વિરુદ્ધ રેલી

- અમેરિકા, યુરોપના અનેક દેશોમાં વસાહતીઓ વિરોધી વાતાવરણ

- બ્રિટનમાં અત્યારે ચૂંટણી થાય તો જમણેરી પક્ષ રિફોર્મ યુકે સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવે : નિષ્ણાતો

લંડન: બ્રિટનની રાજધાની લંડનમાં શનિવારે યોજાયેલી જંગી રેલી અમેરિકા અને યુરોપમાં વધતા રાષ્ટ્રવાદ, વસાહતીઓ વિરોધી ભાવના વધી રહી હોવાનું દર્શાવે છે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી, પોલેન્ડ સહિત અનેક દેશોમાં કટ્ટર જમણેરી વિચારધારા લોકપ્રિય બની રહી છે અને વસાહતીઓ વિરોધી ભાવના પ્રબળ થઈ રહી છે. 

જુલાઈ ૨૦૨૫માં પોલેન્ડની જમણેરી કન્ફેડરેશન લિબર્ટી એન્ડ ઈન્ડિપેન્ડેન્સ પાર્ટીએ 'બેકાબૂ અપ્રવાસન બંધ કરો'ના સૂત્રોચ્ચાર સાથે દેશના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ સિવાય નોર્ધર્ન આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં પણ આ જ પ્રકારના દેખાવો થયા હતા. બ્રિટનમાં પણ હવે વસાહતીઓનો વિરોધ મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે. રિફોર્મ યુકે જેવા પક્ષને જનસમર્થન વધી રહ્યું છે. બ્રિટનમાં અત્યારે ચૂંટણી થાય તો તે સૌથી મોટો પક્ષ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે લંડનમાં શનિવારે યોજાયેલી રેલીએ બ્રિટિશ રાજકારણમાં વસાહતીઓના વિરોધ અને જમણેરી આંદોલનોને નવું રૂપ આપ્યું છે. રાજકીય નિષ્ણાતોને આશંકા છે કે આગામી દિવસોમાં રિફોર્મ યુકેની લોકપ્રિયતા અને વસાહતીઓ વિરુદ્ધ વાતાવરણ ઉગ્ર બની શકે છે.

ફાસીવાદના વિરોધમાં ૫,૦૦૦થી વધુ લોકો રેલીમાં જોડાયા

'સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ' બેનર હેઠળ કાઉન્ટર રેલી પણ યોજાઈ

લંડન: - શરણાર્થીઓનું સ્વાગત છે, કટ્ટર જમણેરીઓને ધ્વસ્ત કરો, સ્ટેન્ડ અપ, ફાઈટ બેક જેવા સૂત્રોચ્ચાર કરાયા

ટોમી રોબિન્સનની રેલીના વિરોધમાં 'સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ' નામના એક જૂથે પણ કાઉન્ટર રેલી યોજી હતી, જેમાં ૫,૦૦૦થી વધુ સમર્થકો જોડાયા હતા. તેમણે શરણાર્થીઓનું સ્વાગત છે, કટ્ટર જમણેરીઓને ધ્વસ્ત કરો અને સ્ટેન્ડ અપ, ફાઈટ બેક જેવા સૂત્રોચ્ચાર સાથે રંગભેદ, વંશવાદ, જાતિવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો હતો. 

બ્રિટનનાં પહેલાં મહિલા અશ્વેત સાંસદ અને અપક્ષ સાંસદ ડાયને એબોટે રેલીમાં મંચ પરથી કહ્યું રંગભેદ, વંશવાદ અને હિંસા નવી વાત નથી. તેમને હંમેશા હરાવવામાં આવ્યા છે અને હવે તેમને ફરીથી હરાવવા પડશે. આપણે શરણાર્થીઓ સાથે એકતા બતાવવી પડશે. એબોટે રોબિન્સન અને તેમના સાથીઓ પર ખોટી અફવાઓ ફેલાવવાનો આરોપ મૂકતા કહ્યું કે વસાહતીઓને જોખમી બતાવતી અટકળોના બદલે તેમના માનવાધિકારોનો બચાવ કરવો જોઈએ. બ્રિટનમાં હવે ઈમિગ્રેશન મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે. તાજેતરના સર્વેક્ષણો મુજબ રિફોર્મ યુકે જેવા પક્ષનું જનસમર્થન વધી રહ્યું છે.

Tags :