Get The App

MH370નું રહસ્ય ખુલશે! 10 વર્ષ અગાઉ 239 મુસાફરો સાથે ગાયબ થયેલા વિમાનની ફરી શોધખોળ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
Malaysia Airlines MH370


Malaysia Restarts MH370 Hunt After a Decade | મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ નં. 370 (MH370) એ આધુનિક વિમાની ઇતિહાસની સૌથી રહસ્યમય ઘટના બની ગઈ છે. 8 માર્ચ, 2014ના રોજ કુઆલાલમ્પુરથી બેઇજિંગ જવા માટે 239 પ્રવાસીઓ અને ક્રૂ સભ્યો સહિત ઉડાન ભર્યા પછી બોઇંગ 777-200ER વિમાન મલક્કાની સામુદ્રધુની પર રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. શરુઆતી શોધખોળ દરમિયાન મળેલા સેટેલાઇટ ડેટાને આધારે વિમાન તેના નિયત માર્ગથી ભટકીને દક્ષિણ હિંદ મહાસાગરમાં ક્યાંક ક્રેશ થઈ ગયું હોવાનું મનાય છે. વિમાનની શોધ માટે બહુ પ્રયાસો કરાયા છતાં એમાં સફળતા નહોતી મળી. હવે, દુર્ઘટનાના એક દસકા પછી ફરી એક શોધ અભિયાન શરુ કરાઈ રહ્યું છે. 

અમેરિકાની મરીન રોબોટિક્સ કંપની ‘નો-ફાઇન્ડ, નો-ફી’ની શરતે શોધ કરશે  

મલેશિયાના પરિવહન મંત્રાલયે બુધવારે જાહેરાત કરી હતી કે, અમેરિકાની ‘ઓશન ઇન્ફિનિટી’ નામની મરીન રોબોટિક્સ કંપની ગુમ થયેલા વિમાનની શોધ કરશે. એ માટે કંપનીએ માર્ચ, 2024માં મલેશિયન સરકાર સાથે ‘નો-ફાઇન્ડ, નો-ફી’ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો અર્થ એ કે જો વિમાનનો ભંગાર ન મળે તો કંપનીને કોઈ ફી આપવામાં નહીં આવે. 

શોધ અભિયાન માટે 580 કરોડ રૂપિયા ચૂકવાશે, પણ શરતોને આધિન 

આ શોધ ઓપરેશન માટે અમેરિકન કંપનીને કોઈ ઍડ્વાન્સ પેમેન્ટ નહીં કરાય. વિમાનનું ફ્યુજલાજ (જેમાં મુસાફરોની બેઠક વ્યવસ્થા હોય છે એ મુખ્ય ધડ) અથવા બ્લેક બોક્સ (જેમાં ઉડ્ડયન દરમિયાન વિમાનનો ડેટા સંગ્રહ થતો હોય છે)ના કોઈ નક્કર અવશેષ મળશે તો જ શોધકર્તા કંપનીને નિશ્ચિત કરાયેલી 70 મિલિયન યુએસ ડૉલર(અંદાજે 580 કરોડ રૂપિયા)ની રકમ ચૂકવવામાં આવશે.

2018માં પણ સમાન પ્રયાસ થઈ ચૂક્યા હતા

આ જ અમેરિકન કંપનીએ 2018માં પણ સમાન શરતો હેઠળ વિમાનની શોધ કરી હતી, પરંતુ તે સફળ થઈ નહોતી. છેલ્લા છ વર્ષમાં કંપનીની તકનીકી ક્ષમતાઓ (જેમ કે ઓટોનોમસ અંડરવોટર સાધનો અને સોનાર મેપિંગ)માં મહત્ત્વપૂર્ણ સુધારા થયા છે. નવા ડેટા વિશ્લેષણ અને નિષ્ણાતોની સલાહના આધારે શોધ ક્ષેત્રનો અગાઉ કરતાં બહેતર ‘સૌથી સંભવિત વિસ્તાર’ નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2025ની શરુઆતમાં પણ કંપનીએ શોધ શરુ કરી હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે એ મુલતવી રાખવી પડી હતી. હવે, આ મહિનાના અંતથી કંપની ફરીથી શોધ અભિયાન શરુ કરશે. 

55 દિવસનું શોધ અભિયાન   

નવી શોધખોળ 30 ડિસેમ્બર, 2025થી શરૂ થઈને લગભગ 55 દિવસ સુધી ચાલશે. ઓશન ઇન્ફિનિટી હિંદ મહાસાગરના એ વિસ્તારમાં ફરીને શોધ કરશે, જ્યાં વિમાન પડ્યું હોવાની સૌથી વધુ સંભાવના માનવામાં આવે છે. 

વિમાન મહાસાગરમાં જ દુર્ઘટના ગ્રસ્ત થયું હતું એની સાબિતી મળી છે

વર્ષોની શોધ દરમ્યાન પૂર્વ આફ્રિકન કિનારા પર દરિયાના પાણીમાં વિમાનના ‘ફ્લેપરોન’ તરીકે ઓળખાતા કેટલાક નાના અવશેષો મળ્યા હતા, પરંતુ વિમાનનું ફ્યુજલાજ કે બ્લેક બોક્સ હજુ સુધી મળ્યા નથી.

દુર્ઘટના માટે કેવી કેવી શક્યતાઓ રજૂ કરવામાં આવી છે? 

ફ્લાઇટ MH370ની દુર્ઘટના બાબતે નીચે શક્યતાઓ રજૂ કરવામાં આવી છે:

1. પાયલટે ઇરાદાપૂર્વક આપત્તિ નોંતરી 

સૌથી વધુ શક્યતા આ ચર્ચાઈ છે. રડાર ડેટા, ફ્લાઇટનો માર્ગ અને વિમાનની અંતિમ સ્થિતિ દર્શાવે છે કે વિમાન કોઈ તાલીમયુક્ત વ્યક્તિ એટલે કે પાયલટ દ્વારા દિશા બદલીને દક્ષિણ ભારતીય મહાસાગર તરફ લઈ જવામાં આવ્યું હોઈ શકે.

2. અચાનક ટેક્નિકલ ફેલ્યર થયું

એક શક્યતા એવી છે કે વિમાનમાં અચાનક ઈલેક્ટ્રિકલ ફેલ્યર થયું હોઈ શકે અથવા વિમાનની અંદરનું દબાણ ઘટી ગયું હોઈ શકે. 

3. આગ લાગી હશે અથવા કેબિનમાં ગંભીર મિકેનિકલ ઇમર્જન્સી સર્જાઈ હશે

કેટલાક નિષ્ણાતો માને છે કે કેબિનમાં આગ લાગી હશે, વાયરિંગ શોર્ટ સર્કિટ થયું હશે અથવા કાર્ગો વિસ્તારમાં લિથિયમ બેટરી સંબંધિત અકસ્માત થયો હોય એની પણ સંભાવના છે.

4. હાઇજેકિંગ થયું હોય 

કેટલાક નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરે છે કે કોઈએ કોકપિટ પર કબજો કરીને અથવા ટેકનિકલી વિમાનને હેક કરી લીધું હોઈ શકે. જોકે, આ બાબતે કોઈપણ સંગઠને કે વ્યક્તિએ જવાબદારી લીધી નથી. મુસાફરો અથવા ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ પણ કોઈ પુરાવા મળ્યા નથી.

5. વિમાન અનિચ્છિત સૈન્ય કાર્યવાહીનો ભોગ બન્યું હોય

કેટલીક અણધારી થિયરીઓ મુજબ વિમાન કોઈ દેશના સૈન્ય પરિક્ષણ ઝોનની નજીકથી પસાર થયું હોય અને મિસાઇલ હુમલા જેવી અનિચ્છિત સૈન્ય કાર્યવાહીનો ભોગ બનીને અકસ્માત ગ્રસ્ત થયું હોય એ શક્ય છે. જોકે, આનો પણ કોઈ સત્તાવાર પુરાવો નથી મળ્યો.

મલેશિયન સરકારની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે

દુર્ઘટનાના દસ વર્ષ બાદ પણ મલેશિયાની સરકાર વિમાનને શોધવા માટે પ્રયત્નશીલ છે, એ સરકારની પીડિત પરિવારો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ચીને પણ મલેશિયાના પ્રયાસોની પ્રશંસા કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન ગુમ થયું ત્યારે એમાં 152 ચીની નાગરિકો પણ સવાર હતા. 

દુર્ઘટના પર ફિલ્મો અને વેબસિરીઝો બની છે  

MH370ની રહસ્યમય ઘટનાએ વિશ્વભરનું ધ્યાન એના તરફ દોર્યું છે. એના પરથી અનેક ડૉક્યુમેન્ટરીઝ, ફિલ્મો અને વેબસીરિઝ બની ચુકી છે. નેટફ્લિક્સની ડૉક્યુમેન્ટરી ‘MH370: The Plane That Disappeared’ (2023)માં દુર્ઘટના અને એના પાછળની સંભાવનાઓ વિગતવાર દર્શાવાઈ છે. એ અગાઉ આ વિષય પર નીચે મુજબની ડૉક્યુમેન્ટરીઝ બની ચૂકી છે.

- ‘MH370: The Lost Flight’ (2022, નિર્માતા- ચેનલ 4, યુકે) 

- Missing Flight MH370: Inside the Situation Room (2018) 

- Malaysia 370: The Plane That Vanished (2014, સ્મિથસોનિઅન ચેનલ)

- Flight 370: The Missing Links (2014, ડિસ્કવરી ચેનલ)

- બીબીસી ચેનલે પણ એને આધાર બનાવીને એક એપિસોડ પ્રસારિત કર્યો હતો. 

- દુર્ઘટનાને આધારે ન્યુઝીલૅન્ડમાં એક લઘુનવલ ‘MH370: A Novella’ પણ લખાઈ છે.  

સત્યની શોધ અને પરિજનોની પીડા  

MH370ની શોધ ફક્ત ટેક્નોલોજિકલ કે ભૂગોળીય પડકાર નથી; તે 239 લોકોના પ્રિયજનો માટેની એક દારુણ ભાવનાત્મક સફર છે, જેઓ દસ વર્ષથી ગુમ થયેલા તેમના વ્હાલાની ખોજમાં છે. ઓશન ઇન્ફિનિટીની અદ્યતન તકનીકને સહારે શું એક દસકા જૂની રહસ્યમય ઘટના પરથી પડદો ઊંચકી શકાશે? આખી દુનિયાને આ સવાલના જવાબની રાહ રહેશે. 

Tags :