મેક્સિકોના પ્રમુખની જાહેરમાં છેડતી! દારુડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો કર્યો પ્રયાસ

Mexico President Claudia Sheinbaum Harassment: મેક્સિકોમાં મહિલા સુરક્ષાનો મામલો ચર્ચામાં છે, કારણ કે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેનબૉમ સાથે એક વ્યક્તિએ છેડછાડ કરી અને તેમને કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ રાજધાનીમાં પગપાળા જઈ રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ક્લાઉડિયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સવાલ કર્યો છે કે, 'જો આ દેશના પ્રમુખ સાથે આવું થઈ શકે, તો સામાન્ય યુવતીઓની સુરક્ષા ક્યાં છે? કોઈ પુરુષને મહિલાઓની અંગત સીમા ઓળંગવાનો અધિકાર નથી.'
વીડિયો વાઇરલ થયા બાદ તેને હટાવી દેવાયો છે, પરંતુ આ ઘટનાએ મેક્સિકોમાં લૈંગિક હિંસા અને માચો સંસ્કૃતિની હાજરી વચ્ચે મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઊભા કર્યા છે. મેક્સિકોના પ્રથમ મહિલા પ્રમુખ ક્લાઉડિયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં કરે. તેમણે કહ્યું, 'હું જનતાની વચ્ચે રહેવા માંગુ છું, તેથી વ્યવસ્થાઓમાં કોઈ ફેરફાર થશે નહીં.'
શું છે આખી ઘટના?
પ્રમુખ શેનબૉમ મંગળવારે મેક્સિકો સિટીના ઐતિહાસિક વિસ્તારમાં રાષ્ટ્રીય મહેલથી શિક્ષણ મંત્રાલય તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. વીડિયો મુજબ, સુરક્ષા ટીમની ગેરહાજરીમાં એક મધ્યમ વયના વ્યક્તિએ તેમની નજીક આવીને તેમને સ્પર્શ કર્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, શેનબૉમે તરત જ તેનો હાથ હટાવ્યો અને તેમના સ્ટાફે દરમિયાનગીરી કરી. શેનબૉમએ પછીથી જણાવ્યું કે હુમલો કરનાર વ્યક્તિ નશામાં હતો.
કાયદા અને પ્રતિક્રિયાઓ
આ ઘટના પછી મહિલા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું: તેમણે મહિલાઓને હિંસાના કિસ્સાઓમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરી અને મીડિયાને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડતી સામગ્રી શેર ન કરવા કહ્યું.
જોકે, આ સમયે એ યાદ રાખવું જરૂરી છે કે ઘણા નારીવાદી સંગઠનો અગાઉ પણ શેનબૉમ પર મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે પૂરતા પગલાં ન લેવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
સ્થિતિની ગંભીરતા દર્શાવતા સરકારી આંકડા મુજબ, 2024માં 821 મહિલાઓની હત્યાના કેસ નોંધાયા હતા અને સપ્ટેમ્બર સુધીમાં 501 કેસ રિપોર્ટ થયા છે, જોકે નિષ્ણાતો માને છે કે અસલ આંકડાઓ આનાથી ઘણા વધુ છે.
રાષ્ટ્રીય સ્તરે, આ ઘટનાને કારણે મહિલાઓ વિરુદ્ધ હિંસા અને સતામણી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. આના યેલી પેરેઝે (મહિલા હત્યાઓ પર દેખરેખ રાખતા સંગઠનના સભ્ય) આ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી અને કહ્યું કે તેને ઉજાગર કરવી જરૂરી છે, કારણ કે આ રોજિંદી હિંસાનું પ્રતિબિંબ છે.
આના પગલે, શૅનબૉમે જાહેર કર્યું કે યૌન ઉત્પીડનને કાયદા હેઠળ સખત અપરાધ ગણવો જોઈએ અને તેમણે મહિલા મંત્રાલયને તમામ રાજ્યોના કાનૂની જોગવાઈઓની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો. નોંધનીય છે કે હાલમાં મેક્સિકોના લગભગ અડધા રાજ્યો અને મેક્સિકો સિટીમાં જ યૌન ઉત્પીડનને અપરાધ માનવામાં આવે છે. દરમિયાન, સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, હુમલાના આરોપી ઉરિયલ રિવેરાને મંગળવારે રાત્રે અટકાયતમાં લેવામાં આવ્યો છે.

