World

ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ સંપત્તિ પર અમેરિકાની નજર, ટ્રમ્પના પ્લાનથી વૈશ્વિક સંકટ વધશે?

By GS Team
7 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થયાને હજી ગણતરીના દિવસો જ થયા છે, ત્યાંજ બંને દેશો વચ્ચે એક નવો અને મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. અમેરિકા હવે ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ (જપ્ત) કરાયેલી સંપત્તિનો ઉપયોગ ખાડી દેશો કુવૈત અને બહેરીનને થયેલા નુકસાનની મરામત માટે કરવાની ગંભીર યોજના બનાવી રહ્યું છે. આ પગલાના કારણે નાજુક સ્થિતિમાં રહેલો યુદ્ધવિરામ ફરી એકવાર જોખમમાં મુકાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ સંપત્તિ પર અમેરિકાની નજર, ટ્રમ્પના પ્લાનથી વૈશ્વિક સંકટ વધશે?

US Iran Crisis : અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) લાગુ થયાને હજી ગણતરીના દિવસો જ થયા છે, ત્યાંજ બંને દેશો વચ્ચે એક નવો અને મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. અમેરિકા હવે ઈરાનની અબજો ડોલરની ફ્રીઝ (જપ્ત) કરાયેલી સંપત્તિનો ઉપયોગ ખાડી દેશો કુવૈત અને બહેરીનને થયેલા નુકસાનની મરામત માટે કરવાની ગંભીર યોજના બનાવી રહ્યું છે. આ પગલાના કારણે નાજુક સ્થિતિમાં રહેલો યુદ્ધવિરામ ફરી એકવાર જોખમમાં મુકાય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

અમેરિકન નાણા મંત્રીએ આપ્યા તપાસના આદેશ

સૂત્રો અને રૉયટર્સના અહેવાલ મુજબ, ઈરાન દ્વારા કુવૈત અને બહેરીન પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ અમેરિકા આ આકરા પગલા પર વિચાર કરી રહ્યું છે. અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે એક વિશેષ ટીમને ઈરાન દ્વારા ખાડી સહયોગી દેશોને પહોંચાડવામાં આવેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ટીમ ભવિષ્યમાં થનારા સંભવિત હુમલા કે વિનાશની ભરપાઈ માટે ઈરાની સંસાધનોના ઉપયોગ પર પણ મંથન કરી રહી છે.

ખાસ વાત એ છે કે આ મામલો ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસેન રેઝાઈના એ નિવેદનના ઠીક એક દિવસ પછી સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલી ઈરાનની $24 અબજની સંપત્તિ મુક્ત કરવી જરૂરી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય અથડામણો યથાવત

એકતરફ શાંતિ વાર્તા ઠપ થતી દેખાઈ રહી છે, તો બીજીતરફ દરિયાઈ ક્ષેત્રમાં સૈન્ય હુમલા ચાલુ છે. અમેરિકન સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિત ગોરુક અને કેશમ ટાપુઓ પર ઈરાની દરિયાકાંઠાના રડાર ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, કારણ કે ઈરાની ડ્રોન્સે દરિયાઈ ટ્રાફિકને જોખમમાં મૂક્યો હતો. જવાબી કાર્યવાહીમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી. કુવૈતની સેનાએ રહેણાંક વિસ્તારો પરથી પસાર થઈ રહેલી સાત બેલિસ્ટિક મિસાઈલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી, જેના કારણે જાનહાનિ ટળી હતી પરંતુ ભૌતિક નુકસાન થયું છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર રાજકીય દબાણ

આ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠો ખોરવાયો છે, અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. વધતી મોંઘવારી અને ઈંધણના ભાવના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આ યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાનું ઘરેલું રાજકીય દબાણ સતત વધી રહ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, ઈરાનના મોટાભાગના ડ્રોન અને મિસાઈલ પ્લાન્ટ નષ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ તેની પાસે હજુ પણ કુલ મિસાઈલોના આશરે 21-22 ટકા જથ્થો સુરક્ષિત છે.

બીજી તરફ, ઓપેક (OPEC) દેશો તેલનું ઉત્પાદન વધારવા સંમત થઈ રહ્યા છે, જેથી બજારને સ્થિર કરી શકાય. પરંતુ અમેરિકા દ્વારા ઈરાનની મિલકતો પર નજર બગાડવામાં આવતા આ વૈશ્વિક સંકટ વધુ ઘેરૂં બને તેવા સંકેતો મળી રહ્યા છે.