Get The App

મોરેશ્યસ કદી ટેક્ષ હેવન ન હતું : કાળાં નાણાં અંગે વિત્તમંત્રી જ્યોતિ જીતુને કરેલી સ્પષ્ટતા

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
મોરેશ્યસ કદી ટેક્ષ હેવન ન હતું : કાળાં નાણાં અંગે વિત્તમંત્રી જ્યોતિ જીતુને કરેલી સ્પષ્ટતા 1 - image


- અમે લૉ ટેક્ષ જ્યુરિસડીકશનમાં જરૂર આવીએ પરંતુ અમે ટેક્ષ હેવન નથી, અમારી (નાણાં) સંસ્થાઓ અસરકારક કામ કરે છે

પોર્ટ લૂઈ : મોરેશ્યસનાં ફાયનાન્શ્યલ સર્વિસીઝ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટના મંત્રી જ્યોતિ જીતુને સ્પષ્ટતા કરી હતી કે અમારો દેશ ટેક્ષ હેવન નથી પરંતુ લૉ ટેક્ષ જ્યુરિસ્ડીકશનમાં આવે છે. આવા બીજા પણ કેટલાયે દેશો છે.

આ સાથે તેઓએ જણાવ્યું હતું કે ટેક્ષ સંબંધી ગેરરીતિઓ ડામવા માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ આથી અમારા દેશને ટેક્ષ હેવન કહેવો તો ખોટું છે. અમારી નાણાંકીય તેમજ અન્ય સંસ્થાઓ, કાળું નાણું શોધી કાઢી તેનો ગેર ઉપયોગ થતો અટકાવવા માટે સતત કાર્યરત છે. અમે તે માટે સતત નજર રાખીએ છીએ તેથી તો, તાજેતરનાં વર્ષોમાં તેવા (કાળાં નાણાંના) કેસો બન્યા નથી.

ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના કેસો નોંધાતાં, ૨૦૨૦માં ફાનાન્શ્યલ એકશન ટાસ્ક ફોર્સે તેને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું. પરંતુ પછીથી ૨૦૨૩માં તે લિસ્ટમાંથી તેનું નામ દૂર કરાયું.

કાળાં નાણાં અંગે બોલતાં તેઓએ કહ્યું કે અમે નાણાંના પ્રવાહ ઉપર નજર રાખવા જુદી જુદી ૧૨ સંસ્થાઓને કાર્યરત કરી છે. તેઓ બરોબર ધ્યાન રાખે છે અને નિયમિતતા સ્થાપે છે.

તેઓએ વધુમાં કહ્યું અમારા વિષે ઘણી ગેરસમજ છે. મની લોન્ડરિંગની પણ વાતો ચાલે છે પરંતુ હવે તે દૂર થઇ ગઈ છે અમે એફ-એ-ટીએફની તમામ ચાલીશે ચાલીશ શરતોને અનુસરીએ છીએ.

ચીન અંગે તેઓએ કહ્યું હતું કે ભારતીયોની જેમ મૂળ ચીનના વતનીઓ પણ અહીં આવીને વસ્યા છે. જો કે ભારતવંશીયોનું પ્રમાણ ઘણું વધુ છે. આમ છતાં અમે બંને દેશો વચ્ચે બરોબર સંતુલન જાળવીએ છીએ.

ઉલ્લેખનીય છે કે ભારતે મોરેશ્યસ સાથે ઘણા દાયકાઓથી ગાઢ સંબંધો રહેલા છે. તેની આસરે ૧૨ લાખની વસ્તીમાં ૭૦ ટકા ભારતવંશીઓ છે. ૨૮ ટકા ક્રેઑલે (ટાપુના મૂળવતનીઓ) ૩ ટકા સાથેનો મોરેશ્યન (ચીનાઓ) અને ૧ ટકો ફ્રેન્કો મોરેશિયન (મૂળ ફ્રાંસના વતની જેઓ મોરેશ્યસમાં વસ્યા છે મોરેશ્યસ પહેલાં ફ્રાંસનું હતું પછી બ્રિટન સાથે થયેલી સમજૂતી પ્રમાણે તે બ્રિટનને ફ્રાંસે આપ્યું હતું. મોરેશ્યસ અત્યારે બ્રિટિશ કોમનવેલ્થનું સભ્ય છે)

આજે બુધવારે મોરેશ્યસ સ્થિત ભારતના હાઈકમિશનર અનુરાગ શ્રીવાસ્તવે વિધિવત મોરેશ્યસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામન દસ ઇલેક્ટ્રિક બસો પૈકી પહેલી બસની ચાવી સાદર સુપ્રત કરી હતી સાથે કહ્યું હતું કે મોરેશ્યસ અને ભારત વચ્ચેની ગ્રીન પાર્ટનરશિપ આથી બળવત્તર બનશે. (ડૉ. નવીનચંદ્ર રામગુલામ ભારતમાં ભણ્યા છે તેઓ પહેલા વડાપ્રધાન સર શિવસાગર રામગુલામના વંશજ છે. તેઓના પૂર્વજો બિહારમાંથી આવીને ઇન્ડેન્યર્ડ લેમટર્સ તરીકે મોરેશ્યસમાં વસ્યા પરંતુ પછીથી ઘણા આગળ આવી ગયા છે)

Tags :