| વિરોધ અને મૃતકની તસવીર |
Pakistan Hindu Farmer: બાંગ્લાદેશમાં બાદ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બદીન જિલ્લામાં એક યુવા હિન્દુ ખેડૂતની હત્યા બાદ વિરોધનો સૂર ઉઠ્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ કૈલાશ કોલહી નામના ખેડૂતને જમીનદાર સરફરાઝ નિઝામાનીએ કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી. આરોપ છે કે આ વિવાદ જમીનદારની જમીન પર એક ઝૂંપડી બાંધવાને લઈને થયો હતો.
ધરપકડ નહીં થાય ત્યાં સુધી વિરોધ
હત્યા પછી ગુસ્સે ભરાયેલા લોકોએ બદીન-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને બદીન-થાર કોલસા રોડ પર ધરણા પ્રદર્શન કર્યા હતા. જેથી મોટો ટ્રાફિક ચક્કાજામ થયો હતો. પ્રદર્શનકારીઓએ હામભરી હતી કે જ્યાં જ્યાં સુધી ગુનેગારોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણા બંધ કરશે નહીં. આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લઘુમતીઓ અને ગરીબ ખેડૂતોની સલામતી, જમીન વિવાદો અને ન્યાય વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
'આ ફક્ત વિરોધ નથી, તે ઘાયલ અંતરાત્માનો અવાજ છે.'
સામાજિક કાર્યકર્તા અને પાકિસ્તાન દરવાર ઇત્તેહાદના અધ્યક્ષ શિવા કાચ્છીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, 'કૈલાશ કોલહીની હત્યા સામે ચાલી રહેલ વિરોધ ઇતિહાસ રચી રહ્યો છે. ગઈકાલે સવારે 10 વાગ્યાથી મોડી રાત સુધી વિરોધ અવિરત ચાલુ રહ્યો, આ માત્ર વિરોધ નથી, પરંતુ ઘાયલ અંતરાત્માનો અવાજ છે. પુરુષો, સ્ત્રીઓ, વૃદ્ધો અને નિર્દોષ બાળકો બધા એક જ માંગ સાથે રસ્તાઓ પર ઉભા હતા, હત્યારાઓની ધરપકડ કરો.'
'શું ગરીબોનું લોહી આટલું સસ્તું છે?'
શિવા કાચ્છીએ વધુમાં જણાવ્યું હતું કે, 'થાક, ભૂખ અને રાતની ઠંડી છતાં વિરોધીઓ અડગ રહ્યા.કૈલાશ કોલહી 'ગુનો' એ હતો કે તે ગરીબ અને હાંસિયામાં રહેવાવાળો હતો. તેના બાળકોના આંસુ, તેની માતાનું દુઃખ અને તેની વિધવાનું મૌન આ બધી જ વેદના આજે સમગ્ર વ્યવસ્થાને સવાલ કરી રહી છે કે શું ગરીબોનું લોહી આટલું સસ્તું છે?'
પોલીસની ખાતરી છતાં, કોઈ ધરપકડ નહીં
પહેલા પીડિતાના પરિવાર અને સમુદાયના સભ્યોએ પીરુ લશારી સ્ટોપ પર મૃતદેહ મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે SSP બદિને ખાતરી આપી હતી કે આરોપીઓને 24 કલાકની અંદર ધરપકડ કરવામાં આવશે. પરંતુ જિલ્લા પોલીસ અધિકારીઓના આશ્વાસન બાદ પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.


