ઈલોન મસ્કને ફરી ઝટકો, સ્પેસ એક્સના સ્ટાર શિપમાં પરીક્ષણ વખતે રોકેટમાં પ્રચંડ વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Elon Musk Star Ship News : અમેરિકાના અબજોપતિ ઇલોન મસ્કની સ્પેસ એક્સ કંપનીના સ્ટાર શિપ રોકેટમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના બને દિવસ અગાઉ 18 જૂનની રાતે 11 વાગ્યે રોકેટના ફ્લાઇટ ટેસ્ટ દરમિયાન બની હતી. ભયંકર ધમાકા સાથે આગ પણ ફેલાઇ હોવાના સમાચાર મળ્યાં છે.
સ્પેસ એક્સ કંપનીનું રોકેટ લોન્ચિંગ બેઝ(રોકેટ તરતાં મૂકવાનું સ્થળ) અમેરિકાના ટેક્સાસ રાજ્યના મેસી સેન્ટરમાં આવેલું છે. સ્પેસ એક્સ કંપનીનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે રોકેટમાં થયેલા વિસ્ફોટને કારણે કોઇ જાનહાની નથી થઇ કે કોઇ વ્યક્તિ દાઝી પણ નથી. આમ છતાં અમે આ વિસ્તારનાં નાગરિકોને વિસ્ફોટના સ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે.
સ્પેસ એક્સ કંપનીનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે બુધવારે રાતે 11 વાગ્યે અમારા સ્ટારબેઝ પર સ્ટાર શિપ રોકેટની દસમી ફ્લાઇટ ટેસ્ટ થઇ રહી હતી તે દરમિયાન અચાનક જ મોટો વિસ્ફોટ થયો હતો. ધમાકા સાથે આગ પણ ફેલાઇ હતી.
સ્ટાર શિપ રોકેટ ઘણું શક્તિશાળી અને અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું છે. સ્પેસ એક્સ કંપની એવી તૈયારી કરી રહી છે કે ભવિષ્યમાં આ જ સ્ટાર શિપ રોકેટ દ્વારા તરતા મૂકાયેલા અવકાશયાનમાં બેસીને અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર અને મંગળની ધરતી પર ઉતરશે. જોકે હાલ આ મહત્વાકાંક્ષી યોજનાની આગોતરી તૈયારીરૂપે અમુક મહત્વનાં ટેકનિકલ પરીક્ષણો કરવાં બહુ જરૂરી છે. આ પ્રકારનાં પરીક્ષણોમાં માનવહીન પરીક્ષણોનો પણ સમાવેશ થાય છે.
આ જ પરીક્ષણોમાંના છેલ્લા સ્ટેટિક ફાયર ટેસ્ટ દરમિયાન એન્જિન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે સ્ટાર શિપ રોકેટ હવામાં ઉંચકાવાને બદલે જમીન પર જ રહ્યું હતું. સાથોસાથ તેમાં જબરો વિસ્ફોટ પણ થયો હતો.
સ્પેસ એક્સ કંપનીનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી છે કે હાલ અમે આ વિસ્તારની સલામતીની તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ. અમારા તમામ એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓ સંપૂર્ણ સલામત છે.









