ગાઝામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં યુરોપમાં મોટા પાયે દેખાવો

- રોમ, બાર્સેલોના, મેડ્રિડમાં લાખો લોકો રસ્તા પર
- પેરીસ, લિસ્બન, એથેન્સ અને ઉત્તરી મેસેડોનિયાના સ્કોપ્જે, ઇંગ્લેન્ડના લંડન અને માન્ચેસ્ટરમાં નાની રેલીઓ યોજાઇ
ઇટાલીમાં ઇઝરાયેલ વિરુદ્ધના દેખાવોમાં દસ લાખથી વધુ લોકો જોડાયા ઃ તૂર્કીયેના અનેક શહેરોમાં પણ હજારો લોકો રસ્તા પર
લગભગ દરેક મોટા સ્પેનિશ શહેરમાં દેખાવોની યોજના કેટલાક સપ્તાહ અગાઉ બનાવવામાં આવી હતી. પેલેસ્ટાઇન ક્ષેત્રની નાકાબંદી તોડવાના પ્રયાસમાં બાર્સોલોનાથી રવાના થયેલ એક માનવીય સહાયતા કાફલાને ઇઝરાયેલ દ્વારા રોકવામાં આવ્યા પછી રોમમાં મોટા પાયે દેખાવો થયા હતાં.
દક્ષિણ યુરોપમાં આ વિરોધ પ્રદર્શન એવા સમયે થઇ રહ્યાં છે જ્યારે હમાસે જણાવ્યું છે કે તેણે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બતાવવામાં આવેલ યોજનાના કેટલાક મુદ્દાઓનો સ્વીકાર કરી લીધો છે.
આ યુદ્ધને કારણે ગાઝા શહેર દુકાળનું પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો છે. રોમની પોલીસે જણાવ્યું છે કે ઇટાલીમાં સતત બીજા દિવસે દેખાવોમાં અઢી લાખ લોેકો સામેલ થયા હતાં. જો કે આયોજકોએ જણાવ્યું છે કે ૧૦ લાખ લોકો સામેલ થયા હતાં. ઇટાલીમાં શુક્રવારે ગાઝામાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં એક દિવસની સામાન્ય હડતાળમાં ૨૦ લાખથી વધુ લોકો સામેલ થયા હતાં.
સ્પેનમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે મેડ્રિડમાં એક લાખ લોકોએ રેલી કાઢી હતી અને બાર્સેલોનામાં ૭૦,૦૦૦ લોકો એકત્ર થયા હતાં. મેડ્રિડ રેલીના આયોજકોએ દાવો કર્યો છે કે ચાર લાખ લોકો હાજર રહ્યાં હતાં. જ્યારે બાર્સેલોનાના આયોજકોએ જણાવ્યું છે કે ત્રણ લાખ લોકોએ ભાગ લીધો હતો.
કાર્યકર્તાઓએ સ્પેનવાસીઓને વાલેંસિયા, સેવિલા, મલાગા અને અન્ય શહેરોમાં પણ રેલી કાઢવાની અપીલ કરી હતી. પેરીસ, લિસ્બન, એથેન્સ અને ઉત્તરી મેસેડોનિયાના સ્કોપ્જે, ઇંગ્લેન્ડના લંડન અને માનચેસ્ટરમાં નાની રેલીઓ યોજાઇ હતી.








