Get The App

દક્ષિણ અમેરિકા અને દ.ધ્રુવ પ્રદેશ વચ્ચેના ડ્રેક-પેસેજમાં 7.5નો ભૂકંપ : સલામતી માટે સુનામીની ચેતવણી અપાઈ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
દક્ષિણ અમેરિકા અને દ.ધ્રુવ પ્રદેશ વચ્ચેના ડ્રેક-પેસેજમાં 7.5નો ભૂકંપ : સલામતી માટે સુનામીની ચેતવણી અપાઈ 1 - image

- આર્જેન્ટિનાના ઉશુઆઈયા શહેરથી દક્ષિણ પૂર્વે 700 કિ.મી. દૂર આંચકો આવ્યો પહેલા 8 અંકનો ભૂકંપ જાહેર કરાયો, તે સુધારી પછીથી 7.5 અંકનો દર્શાવાયો

ઉશુઆઈયા (આર્જેન્ટિના) : દક્ષિણ અમેરિકા અને દક્ષિણ ધ્રુવ પ્રદેશ વચ્ચેના ડ્રેક-પેસેજમાં ગુરૂવારે ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. એટલાન્ટિક મહાસાગરના છેક દક્ષિણના ભાગમાં લાગેલા આ ભૂકંપનો આંક પહેલા ૮.૦ હોવાનું જણાવાયું હતું પરંતુ પછીથી 'ધી યુનાઇટેડ સ્ટેટસ જીયોલોજિકલ સર્વે' (યુ.એસ.જી.એસ) દ્વારા તેમાં સુધારો કરી તે ૭.૫નો હોવાનું જણાવાયું હતું.

આ અંગે ચીલીનાં નૌકાદળની 'હાઈડ્રોગ્રાફિક એન્ડ ઓશનોગ્રાફિક સર્વિસે' સલામતીની દ્રષ્ટિએ 'સુનામી'ની પણ ચેતવણી ઉચ્ચારી હતી.

આ ભૂકંપ ચીલીની એન્ટાર્ટિક-ટેરિટરી સ્થિત ફ્રેઈ મથકથી ૨૫૮ કી.મી. ઉત્તર પશ્ચિમ અને આર્જેન્ટિનાનાં ઉશુઆઈ શહેરથી ૭૦૦ કી.મી. દૂરના દક્ષિણ પૂર્વ સુધીના વ્યાપક વિસ્તારમાં લાગ્યો હતો.

જોકે આ ભૂકંપથી જાન-માલનું નુકશાન થવાની કોઈ સંભાવના જ ન હતી કારણ કે તે એટલાંટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર જ્યા મળે છે તેવા સમુદ્રીય પ્રદેશમાં થયો હતો.

પહેલાં તો સુનામીની ભીતિ હતી પરંતુ પછીથી પાછી ખેંચી લેવાઈ હતી.

આ તબક્કે તે યાદ રાખવું અનિવાર્ય છે કે, સમગ્ર પેસિફિક મહાસાગર ફરતી, દ. ચીલીથી શરૂ કરી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગે થઈ મેક્સિકો, અમેરિકા અને કેનેડાની પશ્ચિમે થઈ રશિયા અને જાપાન થઈ ચીનના પૂર્વ ભાગથી દક્ષિણે આગળ વધી ઇન્ડોનેશિયા સુધી ફંટાઈ છેક દક્ષિણે પૂર્વ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધી નાના મોટા સક્રિય કે સુષુપ્ત જવાળામુખીઓની 'રંગ-ઓફ-ફાયર' રહેલી છે તેથી આ વિસ્તારમાં ધરતીકંપો અને જવાળામુખી વિસ્ફોટો વારંવાર થતા રહે છે.