ખુદા અવાજ વગરની લાકડી મારે છે: મસૂદની કિડની ફેલ, રોજ ડાયાલિસીસ કરવું પડે છે
- મસૂદને રાવલપિંડીમાં પાક. સૈન્યની હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી છે
- આંતરરાષ્ટ્રીય દબાણ છતાં પાકિસ્તાન ખુલ્લેઆમ મસૂદ અઝહરને સુરક્ષા આપી રહ્યું છે
મસૂદે બ્રિટન, અબુ ધાબી, સાઉદી અરેબિયા, મોંગોલીયા, ઝામ્બિયા, ભારત, આલ્બાનિયામાં રહી આતંકવાદ ફેલાવ્યો, અંતે પાક.માં છુપાયો
ઇસ્લામાબાદ, તા.2 માર્ચ, 2019, શનિવાર
પુલવામા સહીતના મોટા હુમલાઓમાં સામેલ આતંકી મસૂદ અઝહર હાલ પાકિસ્તાનમાં છે, અને આ વાતની કબુલાત પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ કુરેશીએ પણ કરી હતી. જોકે સાથે દાવો કર્યો હતો કે મસૂદ બિમાર છે.
બીજી તરફ શનિવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે મસૂદ અઝહર હાલ રાવલપીંડીમાં જ છે અને તેને અહીં સૈન્યના હોસ્પિટલમાં પાકિસ્તાન બધી જ વીઆઇપી સુવિધા આપી રહ્યું છે. મસૂદ અઝહરની કીડની કામ નથી કરી રહી, જેને પગલે તેનું રોડ ડાયાલીસિસ કરવું પડે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહર પર ગમે ત્યારે પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન પર પણ મસૂદ પર કાર્યવાહી માટે દબાણ વધી રહ્યું છે. જોકે પાકિસ્તાન આતંકીને ખુલ્લેઆમ વીઆઇપી સુવિધા આપી રહ્યું છે.
હાલ મસૂદ અઝહર રાવલપીંડીમાં આવેલી પાક. સૈન્યની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જ્યારે આ અંગે કુરેશીને પૂછવામાં આવ્યું તો તેણે માત્ર એટલુ જ કહ્યું હતું કે મસૂદ પાકિસ્તાનમાં હોવાની માહિતી જ મને મળી છે, એ ક્યાં છે તેની કોઇ જ માહિતી કુરેશીને નહોતી આપી.
હવે સ્પષ્ટ થઇ ગયું છે કે મસૂદ પાકિસ્તાનના રાવલપીંડી શહેરમાં સુરક્ષા વચ્ચે પાકિસ્તાની સૈન્યની હોસ્પિટલમાં વીઆઇપી સારવાર લઇ રહ્યો છે. પાકિસ્તાન પુરાવા હોવા છતા મસૂદ અઝહરને આતંકવાદી માનવાની ના પાડી રહ્યું છે, ચીન પણ આ જ પ્રકારનું વલણ અપનાવી રહ્યું છે.
જોકે મસૂદ અઝહર માત્ર પાકિસ્તાન જ નહીં અન્ય દેશો અને મોટા શહેરોમાં પણ સક્રિય રહ્યો છે, તે પહેલા કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા આવ્યો હતો અને તે સમયે તે લશ્કરે તોયબા અને ઓસામા બિલ લાદેન સાથે કામ કર્યો હતો. જે બાદ તે ઝડપાઇ ગયો હતો પણ તેને બાદમાં વિમાન હાઇજેકિંગની ઘટનાને પગલે છોડવો પડયો હતો.
દરમિયાન એવા પણ અહેવાલો છે કે તે બ્રિટન, દુબઇ, અબુ ધાબી, સાઉદી અરેબિયા, મોંગોલીઆ, ઝામ્બીઆ, આલ્બાનીઆમાં આતંકવાદ ફેલાવવામાં સક્રીય હતો. ઓસામા બિલ લાદેનનો તે ખાસ ગણાતો અને આ દેશોમાં યુવાનોને ભડકાવીને આતંકી બનાવતો હતો. બ્રિટન જેવા દેશોમાં પણ તે મસ્જિદોનો ઉપયોગ આતંકવાદના પ્રચાર માટે કરતો હતો. જોકે ઝડપાઇ જવાના ડરથી બાદમાં તે પાકિસ્તાનમાં છુપાઇ ગયો હતો.