ફેસબૂક એકાઉન્ટ સસ્પેન્ડ કરવા બદલ માર્ક ઝુકરબર્ગે મેટા સામે કેસ કર્યો

ફેસબૂકે કોર્ટમાં જ વકીલની માફી માંગી લીધી
મેટાએ માર્ક ઝુકરબર્ગ નામના વકીલનું એકાઉન્ટ અત્યાર સુધીમાં પાંચ વખત ભળતા નામના લીધે સસ્પેન્ડ કર્યું
કંપનીના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથે નામ મળતું આવવાના કારણે ફેસબૂકે આ વકીલનું એકાઉન્ટ અત્યાર સુધીમાં પાંચેક વખત બ્લોક કરી ચૂકી છે.
વકીલનો દાવો છે કે ફેસબૂક ભળતા નામના કારણે તેમનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ કરી રહ્યુ છે અને તેના કારણે તેમની વકીલાતની પ્રેક્ટિસમાં હજારો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. આ કેસ કોર્ટમાં પહોંચ્યા પછી કંપનીએ કોર્ટમાં માફી માંગી છે.
ઇન્ડિયાનાના રહેવાસી ઝુકરબર્ગનું કહેવું છે કે કંપનીએ તેનું ખાતું ખોટા કારણોથી બ્લોક કર્યું છે. તેઓ ૩૮ વર્ષથી કાયદાકીય વ્યવસાયમાં છે. તેમનો આરોપ છે કે ફૂસબૂકે છેલ્લા આઠ વર્ષમાં પાંચ વખત તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. તેમની પર દર વખતે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેઓ વાસ્તવમાં કોઈ બીજી વ્યક્તિ હોવાનો દાવો કરી રહ્યા છે.
વકીલનો આરોપ છે કે વારંવાર પ્રતિબંધ મૂકવાના લીધે તેમની પ્રેક્ટિસ પર પણ અસર પડી છે. તેમણે મેરિયન સુપીરિયર કોર્ટમાં કેસ કર્યો અને દાવો કર્યો હતો કે મેટાએ ૧૧ હજાર ડોલરની જાહેરાત હટાવીને પોતાના એગ્રીમેન્ટનો ભંગ કર્યો છે.
ઝુકરબર્ગે જણાવ્યું હતું કે તેમણે ફોટો આઇડી, ક્રેડિટ કાર્ડ અને પોતાના ેકેટલાય ફોટો સહિત તેઓએ માંગ્યા તે પુરાવા આપ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે જો તમને લાગે છે કે તમારું સસ્પેન્શન યોગ્ય નથી તો તમે અપીલ કરી શકો છો, તેથી મેં અપીલ પણ કરી છે.આમ છતાં તેમના તરફથી મને કોઈ જવાબ મળ્યો નથી. હવે તે વાતને ચાર મહિના થઈ ગયા છે. તેઓએ છેલ્લે જ્યારે આવું કર્યુ ત્યારે એકાઉન્ટ ચાલુ થવામાં મને છ મહિના થઈ ગયા હતા. હવે મને ખબર નથી કે કોના તરફ ધ્યાન ખેંચુ. છેવટે મેમાં બંધ કરાયેલું ખાતુ કેસ કર્યા પછી પૂર્વવત્ થયું હતું.









