ઈરાનને પરમાણુ હથિયારો આપવા અનેક દેશ તૈયાર : રશિયાનો દાવો

- ઈરાન પર અમેરિકાના હુમલાના વિરોધમાં મુસ્લિમ દેશો એક મંચ પર આવ્યા
- પહેલા ઈઝરાયેલ, પછી અમેરિકાએ ચર્ચાના બધા જ રસ્તા બંધ કર્યા : ઈરાન, અમેરિકા ૨૦૦૩ના ઈરાક યુદ્ધ જેવી ભૂલનું પુનરાવર્તન કરી રહ્યું છે ઃ ચીન
- ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ કાબુ બહાર જાય તેવી ભીતિ, તેનાં પરિણામો મહાવિનાશક આવી શકે : યુએન મહામંત્રી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રમુખ સાથે ચર્ચા કરી તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો
મોસ્કો/નવી દિલ્હી: ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધમાં હવે અમેરિકા પણ કૂદી પડયું છે. જોકે, ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાની રશિયા, ચીન સહિત મુસ્લિમ રાષ્ટ્રોએ આકરી ટીકા કરી છે. રશિયાના પૂર્વ પ્રમુખ અને સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેડવેડેવે દાવો કર્યો કે અમેરિકા અને ઈઝરાયેલ ઈરાનને પરમાણુ હથિયારો બનાવતું રોકવા માગે છે, પરંતુ હવે અનેક દેશ ઈરાનને તેમના પરમાણુ હથિયાર આપવા તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ઈરાનના પ્રમુખ મસૌદ પેઝેશકિઆન સાથે વાત કરી હતી.
ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતું રોકવા માટે ઈઝરાયેલ પછી અમેરિકાએ પણ તેના ત્રણ મહત્વના પરમાણુ મથકો પર રવિવારે વહેલી સવારે હુમલો કર્યો હતો. જોકે, અમેરિકાના આ પગલાંની સમગ્ર વિશ્વમાં આકરી ટીકા થઈ રહી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય અમેરિકાએ ઈરાનના શાંતિપૂર્ણ પરમાણુ મથકો પર હુમલા કરીને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને એનપીટીનો ભંગ કર્યો છે. ઈરાન પર હુમલા કરીને પહેલા ઈઝરાયેલ અને હવે અમેરિકાએ કૂટનીતિ અને ચર્ચાના બધા જ રસ્તા બંધ કરી દીધા છે.
રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેડવેડેવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને 'શાંતિના પ્રમુખ'થી 'યુદ્ધ શરૂ કરનારા' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, અમેરિકાના હુમલા ઈરાનના પરમાણુ કાર્યક્રમોને રોકવામાં નિષ્ફળ રહ્યા છે અને મધ્ય-પૂર્વમાં તણાવ વધારી દીધો છે. ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ અટક્યો નથી. હવે તે ખુલીને પરમાણુ હથિયારોનું ભવિષ્યમાં ઉત્પાદન ચાલુ રાખશે. એટલું જ નહીં અનેક દેશ ઈરાનને પરમાણુ હથિયાર આપવા માટે તૈયાર છે.
ચીનનાં સત્તાવાર મિડીયાએ આ હુમલાને વખોડી કાઢતાં અમેરિકાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અમેરિકાનું આ પગલું એક ભયાવહ પરિવર્તિત બિંદુ બની શકે તેમ છે. ૨૦૦૩ની ઇરાક વૉરની યાદ આપતાં ચીને જણાવ્યું હતું કે આથી મધ્યપૂર્વમાં અસ્થિરતા વ્યાપી જશે પ્રાદેશિક સંતુલન ખોરવાઈ જશે. આથી રાજદ્વારી પદ્ધતિ દ્વારા જ તેનો ઉકેલ લાવવો રહ્યો. અમેરિકાના હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના પ્રમુખ મસૌદ પેઝેશકિઆન સાથે વાત કરી હતી. પીએમ મોદીએ સોશિલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર ટ્વીટ કરીને લખ્યું કે, મેં ઈરાનના પ્રમુખ પેઝેશકિઆન સાથે વાત કરી છે. અમે મધ્ય-પૂર્વમાં તણાવ ઘટાડવા માટેવાતચીત કરી અને કૂટનીતિને પ્રાથમિક્તા આપવા અપીલ કરી હતી.
ઈઝરાયેલના હુમલા છતાં કોઈપણ મુસ્લિમ દેશ ઈરાનની પડખે આવ્યો નહોતો, પરંતુ અમેરિકાના હુમલા પછી મુસ્લિમ રાષ્ટ્રો એક થઈ ગયા છે અને તેમણે એક અવાજ ેઅમેરિકાના હુમલાની આકરી ટીકા કરી હતી. સાઉદી અરબ, કતર, ઓમાન, પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોએ અમેરિકાના હુમલાને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ ગણાવ્યા હતા. તેમણે તણાવ ઘટાડવા માટે રાજકીય સમાધાનની દિશામાં વૈશ્વિક પ્રયત્નો પર ભાર મૂક્યો હતો.
ઈરાન પર અમેરિકાના હુમલાથી સૌથી વધુ ચિંતિત સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી એન્ટની ગુટેરસ છે. એક્સ પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું કે આ સંઘર્ષ કાબુ બહાર જાય તેવી ભીતિ સતત તોળાઈ રહી છે. તેનાં પરિણામો મહાવિનાશક આવી શકે. તેવી પૂરી આશંકા રહેલી છે. આ વિવાદનું કોઈ લશ્કરી સમાધાન જ નથી, એક જ માર્ગ છે. તે છે રાજદ્વારી રીતે તેનો ઉકેલ લાવવો. આ સાથે તેઓએ સંયુક્ત રાષ્ટ્રોના તમામ સભ્ય દેશોને આ વિવાદનો અંત લાવવા સક્રિય બનવા અનુરોધ કર્યો હતો.








