મામદાની ન્યૂયોર્કના મેયર બન્યા પરંતુ લાખ્ખો લોકો શહેર છોડી ચાલ્યા જશે

પોસ્ટ-પોલ-સર્વેનો આંચકાજનક અહેવાલ
ન્યૂયોર્કમાં વોટિંગ પુરૂ થયું પછી તુર્ત જ 'પોસ્ટ-પોલ-સર્વે' હાથ ધરાઈ તેમાં જાણવા મળ્યું છે કે, મામદાની જીતતા ૧૦ લાખથી વધુ લોકો શહેર છોડી જશે
ન્યૂયોર્ક, (સીટી): વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં શહેર ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટ જોહરાન મામદાની વિજયી થયા છે. પરંતુ આંચકાજનક વાત તે છે કે, મતદાન પુરૂં થયું પછી તુર્તજ હાથ ધરાયેલ 'પોસ્ટ-પોલ-સર્વે'માં જાણવા મળ્યું છે કે, ન્યૂયોર્કમાં વસતા ૧૦ લાખથી વધુ લોકો શહેર છોડી ચાલ્યા જવા માગે છે તેટલું જ નહીં પરંતુ શહેરની વસ્તીના ૨૫ ટકા લોકો પણ શહેર છોડવા વિચારી રહ્યા છે.
મામદાનીએ વિજયી થતાં વચન આપ્યું કે તેઓ અમીરો ઉપર વધુ ટેક્ષ નાખવાના છે. તેઓની સભાઓમાં પણ બહુ મોટા પાયે ભીડ જોવા મળી હતી.
ન્યૂયોર્કમાં અમીરો આથી ભયભીત બન્યા છે. ૫૦ થી ૬૪ વર્ષ વચ્ચેના અમીરો પાસે શહેરની આશરે ૧૨ ટકા સંપત્તિ છે. તેઓ ચિંતાતુર છે. તેઓએ કહ્યું કે તેઓ શહેર છોડી જતા રહેવા માગે છે. બીજી તરફ રીપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મૂળ ડેમોક્રેટ તેમાંયે ડાબેરી વલણ ધરાવતા, મામદાની મેયર બને તે સહી શકે તેમ નથી. તેથી પ્રમુખ ટ્રમ્પે પહેલેથી જ જાહેર કર્યું છે કે તેઓ ન્યૂયોર્ક શહેરને અપાતી રકમ ઉપર કાપ મુકવાના છે. આથી ઘણી સવલતો ઘટવા સંભવ છે માટે પણ અનેક લોકો શહેર છોડવા વિચારી રહ્યા છે.

