પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, 15 કર્મચારીના મોત

AI Image |
Pakistan Blast News : પૂર્વ પાકિસ્તાનમાં એક ગુંદર બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે બોઈલર ફાટી જતાં આ ઘટનામાં ઓછામાં ઓછા 15 કર્મચારીના મોતના અહેવાલ છે. જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ફેક્ટરી મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે અને માલિકની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. ઘટના બાદ માલિક ફરાર થઈ ગયો હતો.
પંજાબના ફૈસલાબાદની ઘટના
આ બોઇલર બ્લાસ્ટની ઘટના પંજાબના ફૈસલાબાદ શહેરમાં બની હતી. જોકે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્રના અધિકારી રાજા જહાંગીરે જણાવ્યું કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી ફેક્ટરીની ઈમારત અને તેની આજુબાજુના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું અને ફેક્ટરીમાં આગ લાગી ગઇ હતી. સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ અસલમે કહ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
પંજાબના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
ઘટનાની જાણ થતાં પંજાબના મુખ્યમંત્રી મરીયમ નવાઝ શરીફે મૃતકો સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્ત અધિકારીઓ માટે સારામાં સારી સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. અગાઉ 2024માં પણ આ જ રીતે ફૈસલાબાદની એક કાપડની ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં એક ડઝનથી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

