લેન્ડિંગ બાદ સીધું તેજ ધડાકા સાથે પાણીમાં ખાબક્યું કાર્ગો વિમાન, હોંગકોંગ એરપોર્ટ પર મોટી દુર્ઘટના; રનવે બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Plane Accident : દુબઈથી ઉડાન ભરનાર એક બોઈંગ 747 કાર્ગો વિમાન સોમવારે (20 ઓક્ટોબર) વહેલી સવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસીને સમુદ્રમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે, જ્યારે અન્ય બેને બચાવી લેવાયા છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાનનો અડધો ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો.
કેવી રીતે સર્જા દુર્ઘટના?
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 3:50 વાગ્યે બની હતી. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું નજીકના સમુદ્રમાં જઈને પડ્યું. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર મોટા પાયે કટોકટી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે બે લોકોને બચાવી લેવાયા છે, પરંતુ અન્ય બે લોકોના મોત થયા છે.
એરપોર્ટ પર કામગીરી ઠપ
આ દુર્ઘટના બાદ હોંગકોંગ એરપોર્ટના વ્યસ્ત એવા ઉત્તરી રનવેને તાત્કાલિક બંધ કરી દીધો છે, જેના કારણે કેટલીક ફ્લાઇટ્સના સંચાલન પર અસર પડી શકે છે. જોકે, એરપોર્ટના દક્ષિણ અને મધ્ય રનવે કાર્યરત છે. બીજી તરફ, અમીરાત (Emirates) એરલાઇન્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ફ્લાઇટ EK9788 દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, પરંતુ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીના મૃત્યુના આંકડા આ નિવેદનથી વિરોધાભાસી છે, જેના કારણે હાલ પરિસ્થિતિ અસ્પષ્ટ છે.
તપાસ શરૂ કરવામાં આવી
હોંગકોંગના નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું છે કે આ દુર્ઘટનાની જાણ હોંગકોંગ એર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન એજન્સીને કરવામાં આવી છે. તપાસ એજન્સીની ટીમ અકસ્માતના કારણો શોધવાનો પ્રયાસ કરશે, જેમાં સંભવિત તકનીકી ખામી, પાઇલટની ભૂલ અથવા તે સમયની ખરાબ હવામાન પરિસ્થિતિ જેવા પરિબળોની તપાસ કરવામાં આવશે.








