Donald Trump Nobel Prize : વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ મુલાકાત બાદ મચાડોએ દાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિફ્ટ ડિપ્લોમસીએ વોશિંગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.
આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું, "આપણે પ્રમુખ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ છીએ."

નોબેલ પુરસ્કારની ભેટ અને નિયમો જ્યારે મચાડોને પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પે તેમના દ્વારા આપવામાં આવેલો મેડલ સ્વીકાર્યો છે, તો તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર આપતી સંસ્થા પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે નિયમો અનુસાર પુરસ્કારને ટ્રાન્સફર કે શેર કરી શકાતો નથી.
બીજી તરફ, મારિયા કોરિના મચાડો વ્હાઇટ હાઉસમાંથી એક ગિફ્ટ બેગ લઈને બહાર નીકળ્યાં, જેના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખેલું હતું. આ લાલ રંગની બેગમાં શું હતું તે સ્પષ્ટ થયું નથી.

મચાડો અંગે અમેરિકાનું વલણ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે મચાડોને વેનેઝુએલાના લોકોનો 'નોંધપાત્ર અને સાહસી અવાજ' ગણાવ્યો હતો, પરંતુ સાથે જ પુનરોચ્ચાર કર્યો કે તેમના નેતૃત્વની સંભાવનાઓ અંગે ટ્રમ્પનું મૂલ્યાંકન બદલાયું નથી. ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે નેતૃત્વ કરવા માટે તેમને પૂરતું સ્થાનિક સમર્થન પ્રાપ્ત નથી.
નોબેલ પુરસ્કાર વિજેતા હોવા છતાં, મચાડોને અમેરિકી અધિકારીઓ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એક તરફ ટ્રમ્પે તેલ અને અન્ય મુદ્દાઓ પર સહયોગ માટે અંતરિમ પ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝની જાહેરમાં પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક અમેરિકી સાંસદોએ મચાડો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
દમનકારી શાસન યથાવત: મચાડો ડેમોક્રેટિક સેનેટર ક્રિસ મર્ફી, જેમણે મચાડો સાથે મુલાકાત કરી, તેમણે જણાવ્યું કે મચાડોએ સાંસદોને કહ્યું કે વેનેઝુએલામાં દમનકારી શાસન માદુરો કાળથી ચાલુ જ છે. તેમણે અંતરિમ પ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝને એક 'કુશળ નેતા' ગણાવ્યા, જે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનથી વધુ મજબૂત બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષાના કારણોસર મચાડોને વેનેઝુએલા છોડવું પડ્યું હતું અને માદુરો સમર્થક સુપ્રીમ કોર્ટે તેમને 2024ની પ્રમુખની ચૂંટણી લડવાથી રોકી દીધા હતા.


