બ્રાઝિલમાં લુલા દ'સિલ્વા, ટ્રમ્પના મિત્ર ફલેપિયો બોલસોનારોને હરાવી ૪થી વાર પ્રમુખ ચૂંટાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- દ.અમેરિકામાં રૂઢી-ચૂસ્ત મોજાં છતાં દ'સિલ્વા વિજયી
- ભારતના મિત્ર, લુઈઝ ઇનાન્શિયો લુલા દ'સિલ્વાને ૫૧.૭૫ ટકા મત મળ્યા બોલ્સોનારોને ૪૮.૨૫% મત મળ્યા
બ્રાઝિલિયા : બ્રાઝિલમાં સત્તાધારી પ્રમુખ લૂઈઝ ઈનાન્શિયો લુલા દ'સિલ્વા, તેઓના પ્રતિસ્પર્ધી અને ટ્રમ્પના મિત્ર મનાતા જમણેરી નેતા ફલેપિયો બોલસોનારોને રસાકસી ભરી ચૂંટણીમાં પરાજિત કરી સતત ૪થી વાર દેશના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે. રવિવારે યોજાયેલી આ ચૂંટણીમાં ભારતના મિત્ર લુઈઝ ઈનાન્શિયો લુલા દ'સિલ્વાને ૫૧.૭૫ ટકા મત મળ્યા હતા. જ્યારે ટ્રમ્પના મિત્ર મનાતા બોલ્સોનરોને ૪૮.૨૫ ટકા મત મળ્યા હતા.
દક્ષિણ અમેરિકાનાં આર્જેન્ટીના, શીલી, કોલંબિયા અને પેરૂ જેવા દેશોમાં જ્યારે જમણેરી મોજું વ્યાપી રહ્યું છે ત્યારે લેફ્ટ-ફ્રોમ-સેન્ટર ઝૂકાવ ધરાવતા લુલા દ'સિલ્વાનો વિજય નોંધપાત્ર બની રહ્યો છે.
રવિવારે યોજાયેલાં આ મતદાનમાં થોડી અંધાધૂંધી પ્રવર્તતી હતી. કારણ કે ભારે વર્ષાને લીધે મતદાન-મથક તરફ લઈ જતી બસો પૈકી ઘણી માર્ગમાં થોડો સમય રોકવી પડી હતી. બોલસોનારો ઉપર તેવો પણ આક્ષેપ હતો કે તેઓએ જાણી જોઈને બસો મોડી કરાવી હતી. જેથી મતદાન ઓછું થાય. મતદારો સમયસર પહોંચી જ ન શકે. પરંતુ આ આક્ષેપ ખોટો ઠરે છે. કારણ કે તેમણે જ સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ મતદાન સમય બે કલાક વધારવા રજૂઆત કરી હતી, જે સ્વીકારાઈ પણ હતી.
વિશ્લેષકો કહે છે કે આ ચૂંટણી પછી દ'સિલ્વા ૨૦૩૦ સુધી સત્તા ઉપર રહેશે તેથી ૮૫ વર્ષના આ નેતા સતત ૧૬વર્ષ સુધી સત્તા સ્થાને રહેશે. પરંતુ સૌથી પહેલાં તો તેઓએ જમણેરી બહુમતી ધરાવતી સંસદનો સામનો કરવાનો રહેશે. બીજી તરફ દેશની આર્થિક સ્થિતિ પણ નિર્બળ છે. જીડીપીનો વિકાસ ધીમો છે.
સૌથી મોટી મુશ્કેલી તો તેમની સામે તે ઊભી છે કે દેશમાં અપરાધ-જૂથોની તાકાત વધતી જાય છે અને તે જૂથો તેમના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યાં છે, તેમણે અંકુશમાં રાખવાં તે સૌથી મોટો પડકાર દ'સિલ્વા સામે ઊભો છે.
એક વધુ મુશ્કેલી તે ઉભી છે કે ટ્રમ્પ તેમની ઉપર વ્યાપારી, આર્થિક તેમજ રાજકીય દબાણ કરી રહ્યાં છે. તેઓએ અમેરિકાનાં દબાણોનો સામનો કરવાનું એલાન આપતાં કહ્યું હતું કે તેમના પ્રતિસ્પર્ધી તો અમેરિકાના નેજા (છત) નીચે દેશનું શાસન ચલાવવા માગે છે. આ એલાને તેમને વિજય અપાવ્યો છે.




