ભોજનના સમૃદ્ધ વારસા માટે લખનઉ યુનેસ્કોના સર્જનાત્મક શહેરોમાં સામેલ

યુનેસ્કોની યાદીમાં 58 નવા શહેરોનો સમાવેશ
સ્ટ્રીટ ફૂડ ચાટ-પાણીપૂરીથી લઈને અવધી બિરયાની, કુલચા-નિહારી, માખણ મલાઈ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ માટે લખનઉ પ્રખ્યાત
સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રે અઝોલે ૫૮ શહેરોને યુનેસ્કોના રચનાત્મક શહેરોના નેટવર્ક (યુસીસીએન)ના નવા સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. આ યાદીમાં હાલ ૧૦૦થી વધુ દેશોના ૪૦૮ શહેરનો સમાવેશ થાય છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત યુનેસ્કોના ૪૩મા મહાસંમેલનમાં વર્લ્ડ સિટી ડેના પ્રસંગે આ જાહેરાત કરાઈ હતી.
લખનઉનો 'ક્રિએટીવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી'ની કેટેગરીમાં સમાવેશ કરાયો છે. આ સન્માન એ શહેરોને મળે છે, જે પોતાની ખાનપાન પરંપરા, સાંસ્કૃતિક વિવિધતા અને ઈનોવેશનથી વિશ્વને પ્રેરિત કરે છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના એકમે સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, મોંમાં પાણી લાવતા સ્ટ્રીટ ફૂડ ચાટ અને પાણીપુરીથી લઈને અવધી બિરયાની, ટુંડે કબાબ, ગલાવટી કબાબ અને કુલચા-નિહારી, માખણ મલાઈ, ટાંગી આલુ ચાટ અને મટર જેવા વ્યંજન અને મીઠાઈઓ તથા અન્ય અનેક વાનગીઓ ઉત્તર પ્રદેશના લખનઉને સ્વાદિષ્ઠ ભોજન માટે સ્વર્ગ સમાન બનાવે છે, જે સદીઓ જૂની પરંપરાથી ભરપૂર છે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, ભારત માટે ગૌરવની ક્ષણ. લખનઉની સમૃદ્ધ ભોજનકળાના વારસાને હવે વૈશ્વિક મંચ પર ઓળખ મળી છે.લખનઉ તેની સમૃદ્ધ અને પારંપરિક સ્વાદિષ્ઠ વાનગીઓ અને સ્વાદિષ્ઠ મીઠાઈઓ માટે વિશ્વપ્રસિદ્ધ છે. લખનઉની આ સિદ્ધિ તેના અવધી વ્યંજન, નવાબી પરંપરા અને ખાન-પાનની વિવિધતાનું જીવંત પ્રમાણ છે.
વડાપ્રધાન મોદીએ લખનઉને મળેલા સન્માન અંગે પ્રતિક્રિયા આપતા એક્સ પર લખ્યું, લખનઉ એક જીવંત સંસ્કૃતિનું પર્યાય છે, જેના મૂળમાં શાનદાર પાક-કલા સંસ્કૃતિ છે. મને આનંદ છે કે યુનેસ્કોએ લખનઉના આ પાસાને માન્યતા આપી છે અને હું દુનિયાભરના લોકોને લખનઉ આવવા અને તેની વિશેષતાને જીવવા આહ્વાન કરું છું. લખનઉના પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે કહ્યું કે, રાજ્યના પ્રવાસન વિભાગે લખનઉ માટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયને નામાંકન મોકલ્યું હતું. ભારત સરકારે ૩ માર્ચ ૨૦૨૫ના રોજ યુનેસ્કોને અંતિમ ડોઝિયર પ્રસ્તુ કર્યું હતું. યુનેસ્કોએ ગુરુવારે આ અંગે ઔપચારિક જાહેરાત કરી હતી.
- યુનેસ્કોએ આ શહેરનો પણ સમાવેશ કર્યો
યુનાઈટેડ નેશન્સ: યુનેસ્કોએ જણાવ્યું કે, નવા નોમિનેટ સર્જનાત્મક શહેરોમાં સંગીત માટે કેન્યાના કિસુમુ અને અમેરિકાના ન્યૂ ઓરલિયાન્સ, ડિઝાઈન માટે સાઉદી અરબના રિયાધ, પાકકલા માટે પોર્ટુગલના માતોસિન્હોસ અને ઈક્વાડોરના કુએનકા, ફિલ્મ માટે ઈજિપ્તના ગીઝા, વાસ્તુકલા માટે ફિનલેન્ડના રોવેનેમી, મીડિયા કલા માટે ઈન્ડોનેશિયાના મલંગ અને સાહિત્ય માટે બ્રિટનના એબરિસ્ટવિથનો સમાવેશ કરાયો છે, જે એ બાબતનું ઉદાહરણ છે કે કેવી રીતે સ્થાનિક રચનાત્મક્તા એક વિશિષ્ટ સાંસ્કૃતિક વિશેષતાને પ્રોત્સાહન આપે છે અને સામાજિક સામંજસ્યની સાથે આર્થિક ગતિશીલતા પેદા કરે છે.









