Yemen blast : યમનના અદન કિનારે શનિવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. રિપોર્ટ પ્રમાણે ત્યાં ગેસ ભરેલા એક ટેન્કર AV ફાલ્કનમાં વિસ્ફોટ થયા બાદ તેમાં આગ લાગી હતી. તેમાં સવાર 24 ભારતીય ખલાસીઓમાંથી 23 ને બચાવી લેવામાં આવ્યા છે.
હાલમાં બે લોકો ગુમ હોવાના સમાચાર છે. જહાજ ઓમાનના સોહરથી જીબુટી જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ બાદ જહાજ પાણીમાં ડૂબવા લાગ્યું અને તેના લગભગ 20% ભાગ પર આગ લાગી ગઈ. તાજેતરની માહિતી પ્રમાણે વિસ્ફોટ આકસ્મિક થયો હતો. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
23 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ મુજબ જહાજ પર સવાર 24 ક્રૂ મેમ્બરો જહાજ છોડીને સમુદ્રમાં કૂદી પડ્યા હતા. યુરોપિયન યુનિયનના નૌકાદળ ઓપરેશન, ઓપરેશન એસ્પાઇડ્સે ઘટના પછી તરત જ શોધખોળ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 23 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે અન્ય હજુ પણ ગુમ છે.
વિસ્ફોટ બાદ સમુદ્રી માર્ગે ખતરો
જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હોવાથી વિસ્ફોટના કારણે હાલમાં દરિયાઈ માર્ગે ખતરો વધી ગયો છે. યુરોપિયન યુનિયન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન એસ્પાઇડ્સે આ ઘટના બાદ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જહાજમાં આગ ફેલાઈ રહી છે. એમવી ફાલ્કન હવે દરિયાઈ માર્ગ માટે એક મોટો ખતરો બની ગયો છે.
આ પણ વાંચો: આસિયાન સમિટમાં PM મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે? સત્તાવાર જાહેરાત નહીં પરંતુ હલચલ તેજ
ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે યમનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં પસાર થતા માલવાહક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે એમવી ફાલ્કન પરના હુમલામાં કોઈ રાજકીય કે આતંકવાદી જોડાણની ઓળખ થઈ નથી.


