લોસ એન્જલસ : રમખાણો, લૂંટફાટ થતાં મેયરે કરફ્યુ જાહેર કર્યો : શહેરને મુક્ત કરવા ટ્રમ્પે શપથ લીધા
- ગેરકાયદે વસાહતીઓને શોધવા પાડવામાં આવેલા દરોડાથી લોસ એન્જલસમાં વ્યાપક રમખાણો : પરિસ્થિતિ બેકાબુ
લોસ એન્જલસ : ગેરકાયદે વસાહતીઓને શોધી શોધીને યુએસમાંથી હાંકી કાઢવા પ્રમુખ ટ્રમ્પે આદરેલી ઝૂંબેશ સામે વ્યાપક રમખાણો અને પછીથી ખુલ્લેઆમ લૂંટફાટ પણ શરૂ થઇ જતાં મેયર કાટેન બાસે શહેરના મધ્યવર્તી વિસ્તારમાં રાત્રીના આઠથી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કર્યો છે. બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે રમખાણો શમાવવા ૨૦૦૦ જેટલા વધારાના નેશનલ ગાર્ડઝ પણ ત્યાં ગોઠવી દીધા છે, સાથે ૭૦૦ મરીન્સને પણ ગોઠવી દીધા છે.
કરફ્યુની જાહેરાતને યોગ્ય ઠરાવતાં મેયર બાસે કહ્યું હતું કે રાત્રીના ૨૩ દુકાનો લૂંટવામાં આવી હતી. સામાન્ય પરંપરા પ્રમાણે નેશનલ ગાર્ડઝ ગોઠવતાં પહેલાં પ્રમુખે રાજ્યના ગવર્નર સાથે વાત કરવી જોઇએ જો તેઓ તે માટે ના કહે તો તેમને બરોબર સમજાવવા જોઇએ. ટ્રમ્પે આવું કશું કર્યું નહીં. આથી ગવર્નર ગેબિન ન્યુસોમે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે તો માછલી પકડવા જેમ જાળ નખાય તેમ લશ્કરી જાળ નાખી છે. તેમાં ફોજદારી કામદારો અને ગરીબ પણ ફસાઈ ગયાં છે. આ સાથે આક્રોશ ઠાલવતાં ન્યૂસોવે કહ્યું : મને જાણ કર્યા સિવાય અને મારાં સમર્થન સિવાય નેશનલ ગાર્ડસ મોકલી દેવા તે અન્ય રાજ્યો માટે પણ ચેતવણીરૂપ છે. કેલિફોર્નિયા તેમાં સૌથી પહેલું છે. આ સત્તાનો બેશરમ દુરૂપયોગ છે.
ફોર્ટ બ્રેગમાં આવેલાં ધગધગતા વક્તવ્યમાં લોસ એન્જલસના દેખાવકારોને પ્રમુખ ટ્રમ્પે પશુઓ અને વિદેશી દુશ્મનો સમાન કહ્યા હતા. વાસ્તવમાં અમેરિકી સેનાની ૨૫૦મી જયંતિ સમયે તેઓએ આ શબ્દો કહ્યા હતા.
પ્રમુખ ટ્રમ્પે ઇન્સરકેશન એક્ટ લાગુ પાડવાની પણ ધમકી આપી હતી. આ ઇન્સરકેશન એક્ટ પ્રમુખના હાથમાં અસામાન્ય સત્તા મુકી દે છે. આ ઉપરાંત પ્રમુખે કુલ ૭ મિલીટરી બેઝીસનાં નામ પણ બદલી નાખ્યાં છે, કે જે નામ બાયડેને આપ્યાં હતાં.