POKમાં હજારોની ભીડ રસ્તા પર: બળવામાં મહિલાઓએ મોરચો સંભાળતા પાકિસ્તાનની આર્મી સ્તબ્ધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PoJK Protest : પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (POJK)માં પાક. સરકારની નીતિઓના વિરોધમાં સતત 17માં દિવસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હજારો લોકો રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યા છે. હવે સ્થિતિ એવી છે કે, દેખાવકારોમાં મહિલાઓ સૌથી અગ્રેસરની ભૂમિકા નિભાવી રહી છે. રાવલકોટના ઈદગાહ મેદાનમાં હજારોની સંખ્યામાં દેખાવકારો એકઠા થયા છે. રિપોર્ટ મુજબ, અહીં લગભગ 50,000થી વધુ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે.
દેખવકારો સરકારની નીતિ, મોંઘવારીથી ત્રસ્ત
પાકિસ્તાન સરકાર દ્વારા પ્રતિબંધો અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં અવામી એક્શન કમિટીના નેતૃત્વમાં ભારે વિરોધનું વંટોળ ઉભું થયું છે. દેખાવકારો આર્થિક તંગી, સત્તા સંબંધી પડકારો, મોંઘવારી અને ઘણા સમયથી રાજકીય ઉપેક્ષા જેવા મુદ્દાઓને લઈને સરકારને ઘેરી રહ્યા છે. આંદોલનમાં મહિલાઓ અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવનારાઓ પણ સામેલ થયા છે.
મહિલાઓ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સૌથી આગળ
પ્રદર્શનમાં મહિલા એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મુખ્ય અવાજ બનીને ઉભરી આવ્યા છે. ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહેલા એક વીડિયોમાં લોકલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રાનીમા શજમાએ પ્રદર્શન થઈ રહેલા વિસ્તારમાં પાકિસ્તાની અધિકારીઓ અને સુરક્ષા દળોની કરતુતોની ટીકા કરી છે. શજમાએ કહ્યું કે, ‘પાકિસ્તાની સેના સામાન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે અને પરેશાન પણ કરી રહી છે. પાકિસ્તાન સરકાર આ વિસ્તારની સમસ્યાઓ નિવારવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું છે.’ તેમણે POJKના રાજકીય ભવિષ્ય પર ફરી વિચાર કરવાની માંગ કરી છે.
અવામી કમિટીના નેતાએ પાક. સરકારની કરી ટીકા
રાવલકોટમાં દેખાવકારોને સંબોધિત કરતી વખતે અવામી એક્શન કમિટીના નેતા સરદાર અમન ખાને POJKમાં સરકારની નીતિઓની ટીકા કરી છે અને વધુમાં વધુ જાતે નિર્ણય લેવાની સત્તા આપવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ કાશ્મીર સંબંધીત નિર્ણયો કાશ્મીરના લોકો પર જ છોડી દેવા જોઈએ.
આવાગમન પર પ્રતિબંધ
વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોએ અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ આ વિસ્તારમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની હેરફેર પર રોક લગાવી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને PoJKને જોડતા એન્ટ્રી પોઇન્ટ્સ પર ખાવા-પીવાની અને અન્ય જરૂરી સામગ્રી ભરેલી ટ્રકો પાછલા કેટલાક દિવસોથી રોકી રાખવામાં આવી છે. કાર્યકરોનું કહેવું છે કે આ નિયંત્રણોના કારણે સામગ્રીની અછત સર્જાઈ રહી છે અને સ્થાનિક લોકો પર દબાણ વધી રહ્યું છે, જેઓ પહેલાથી જ લાંબા સમયથી ચાલી રહેલા બંધ (શટડાઉન)ના લીધે પરેશાન છે.









