પાક.-અફઘાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ 15 અફઘાન નાગરિકો, કમાન્ડર, 6 પાક સૈનિકનાં મોત

- હવે ટેન્કોનો ઉપયોગ શરૂ થઈ ગયો છે
- પાકિસ્તાને કાબુલ અને અન્ય વિસ્તારો પર મિસાઇલ હુમલા કર્યા પછી અફઘાનો વિફર્યા : પાકિસ્તાન પણ પૂરી તાકાતથી સામનો કરી રહ્યું છે
નવી દિલ્હી : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદો આંકતી ડુંરાંડ લાઇન ભડકે બળે છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારતની મુલાકાતથી ધૂંધવાયેલાં પાકિસ્તાને વગર વિચારે કાબુલ અને અન્ય વિસ્તારો પર મિસાઇલ હુમલા કર્યા. અફઘાનો વિફર્યા છે તેણે તો પહેલેથી જ ૧૯મી સદીના અંત ભાગમાં બ્રિટિશ ઈજનેર ડુંરાંડે બંને દેશોની સરહદો આંકતી 'ડુરાંડ-લાઇન' સ્વીકારવાની ના કહી દીધી છે તેવામાં પાકિસ્તાને કશી પણ ઉશ્કેરણી વિના કરેલા હુમલાથી અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને અફઘાન પ્રજા પણ પાકિસ્તાન ઉપર ધૂંધવાઈ રહ્યાં છે.
મંગળવાર રાતથી જ બંને દેશો વચ્ચે સામ-સામા ગોળીબારો અને રોકેટ હુમલા થઈ રહ્યા છે અને સરહદ ઉપર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એ.એફ.પી. આ માહિતી આપતાં જણાવે છે કે, પાકિસ્તાનના મિસાઇલ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત કુલ ૧૫ અફઘાન નાગરિકોનાં મોત થયા છે. તાલિબાનોનો એક ટ્રુપ-કમાન્ડર પણ તેમાં માર્યો ગયો છે. સામેની બાજુએ પાકિસ્તાનનાં ૬ સૈનિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાને તેમની ઉપર કશી પણ ઉશ્કેરણી વિના અમારી તરફ ગોળીબારો શરૂ કર્યા હતા. તેના વળતા જવાબરૂપે અમે સામા હુમલા શરૂ કર્યા છે. પૂરી તાકાતથી અમે તેમનો સામનો કરી રહ્યા છીએ.
ખાસ કરીને ઉત્તર-પશ્ચિમના કુર્રમ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન તેઓની ફોરવર્ડ પોસ્ટસ્ તોડી નખાઈ છે. પાકિસ્તાનની એક ટેન્કનો પણ ખુર્દો કરાયો છે.
તાલિબાનોએ નાની ટેન્કો પણ ઉતારી હોવાનું કહેતા બ્લુમ્બર્ગ પાકિસ્તાન સરકાર હસ્તકના રેડીયોને ટાંકતાં આ અહેવાલો આપ્યા છે. ઉપરાંત અનામી રહેવા માગતા સલામતી દળોના સૈનિકો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે આ અહેવાલો અપાયા છે.
મોડેથી મળતા સમાચારો જણાવે છે કે કુલ ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. તેમની કેટલીએ ટેન્કો પર પૂર્વે ભારતે જેમ કબજો જમાવ્યો હતો તે જ 'ટેક્ટિકસ'થી તાલિબાનોએ કબ્જો જમાવી દીધો છે.








