Get The App

લીબિયાના આર્મી પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં મોત, તૂર્કિયેની રાજધાની અંકારા નજીક પ્લેન ક્રેશ

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
લીબિયાના આર્મી પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં મોત, તૂર્કિયેની રાજધાની અંકારા નજીક પ્લેન ક્રેશ 1 - image


Libayan Army Chief Died in Plane Crash News : લીબિયાના સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ અને અન્ય 4 લોકોનું મંગળવારે રાત્રે એક ભયાનક પ્લેન ક્રેશમાં મોત થયું છે. તેમનું પ્રાઇવેટ જેટ તૂર્કિયેની રાજધાની અંકારાથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાને લીબિયાના વડાપ્રધાને દેશ માટે એક મોટી ખોટ ગણાવી છે.



કેવી રીતે બની આ દુર્ઘટના?

તૂર્કિયેના અધિકારીઓના જણાવ્યા મુજબ, ફાલ્કન 50 બિઝનેસ જેટ અંકારામાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા પૂર્ણ કર્યા બાદ લીબિયા પરત ફરી રહ્યું હતું. વિમાને અંકારાના એસેનબોગા એરપોર્ટ પરથી સાંજે 8:30 વાગ્યે ઉડાન ભરી હતી, અને લગભગ 40 મિનિટ બાદ જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક તૂટી ગયો હતો.  તૂર્કિયેના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે, વિમાને અંકારાના હાયમાના જિલ્લા પાસે ઇમરજન્સી લેન્ડિંગનો સંકેત આપ્યો હતો, પરંતુ તે પછી કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. વિમાનનો કાટમાળ હાયમાના જિલ્લાના કેસિક્કાવાક ગામ પાસે મળી આવ્યો હતો. સ્થાનિક ટીવી ચેનલો પર પ્રસારિત થયેલા સીસીટીવી ફૂટેજમાં આકાશમાં અચાનક વિસ્ફોટ થતો જોવા મળ્યો હતો.

આર્મી ચીફ સહિત કોણ-કોણ હતું સવાર?

આ દુર્ઘટનામાં લીબિયાના આર્મી ચીફ અલ-હદ્દાદની સાથે ગ્રાઉન્ડ ફોર્સના ચીફ અલ-ફિતૌરી ઘ્રેબીલ, મિલિટરી મેન્યુફેક્ચરિંગ એજન્સીના ડાયરેક્ટર મહમૂદ અલ-કુતાવી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર મોહમ્મદ અલ-અસાવી દીબ અને મીડિયા ઓફિસના ફોટોગ્રાફર મોહમ્મદ ઉમર અહેમદ મહજૂબ પણ સવાર હતા અને તેમના પણ મોત થયા છે. લીબિયાના અધિકારીઓએ વિમાન દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી જણાવ્યું છે.

ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા માટે ગયા હતા તૂર્કિયે

જનરલ અલ-હદ્દાદ અંકારામાં ઉચ્ચ સ્તરીય સંરક્ષણ મંત્રણા માટે આવ્યા હતા, જ્યાં તેમણે તૂર્કિયેના સંરક્ષણ મંત્રી યાસર ગુલર અને ચીફ ઓફ જનરલ સ્ટાફ સેલ્ચુક બાયરક્તારોગલુ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ મજબૂત કરવાનો હતો. આ દુર્ઘટના બાદ અંકારા એરપોર્ટને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું અને તૂર્કિયેના ન્યાય મંત્રાલયે આ દુર્ઘટનાની તપાસ માટે ચાર સભ્યોની ટીમની રચના કરી છે.