એક સાથે વૈશ્વિક પ્રગતિ માટે કાર્યરત બની રહીએ : જી-7 મીટમાં મોદીએ કહ્યું

- જી-7 મીટ દરમિયાન મોદી દ.કોરિયા, મેક્સિકો, દ.આફ્રિકા, ફ્રાંસ, બ્રિટન, ઈટાલી, ઓસ્ટ્રેલિયા, સહિત અનેક દેશોના અગ્રણીઓને મળી ચર્ચા કરી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના કેટલાયે દેશોના અગ્રણીઓ સાથેની તેઓની મુલાકાતને સફળ ગણાવી હતી અને વિશ્વનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે વિશ્વ સમક્ષ રહેલા પડકારોને પરાસ્ત કરવા એલાન આપ્યું હતું.
કેનેડાનાં કેનાસ્કીમાં પર્વતીય પાશ્ચાદભૂમિકામાં યોજાયેલી જી-૭ દેશોની શિખર પરિષદમાં કેનેડાના વડાપ્રધાન કાર્નીનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેલા નરેન્દ્ર મોદીએ તેઓનાં વક્તવ્યમાં ઋતુ પરિવર્તન, વિકાસ, વૈશ્વિક સલામતી અને શાંતિ સાથે વિકાસ અંગે વાત કરી હતી. આ ઉપરાંત તેઓએ વિશ્વના અગ્રીમ દેશોના અગ્રણીઓ પૈકી તમામ સાથે એક-થી-એક મંત્રણા પણ કરી હતી. તેઓ દક્ષિણ કોરિયા, મેક્ષિકો, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, બ્રિટન, ઈટાલી અને અન્ય દેશોના અગ્રણીઓ સાથેની મંત્રણામાં દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય વાટાઘાટો કરી હતી. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રો, બ્રિટિશ પી.એમ. કીર સ્ટારમેર, ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ સાથે તો લંબાણપૂર્વક મંત્રણા કરી હતી.
જ્યોર્જિયા મેલોનીએ ભારત સાથેની ઈટાલીની મૈત્રી ઉપર ઘણો જ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે તેથી બંને દેશોની જનતાને ઘણો જ લાભ થઈ રહ્યો છે.
આલ્બાનીઝ સાથેની મંત્રણાને તેમજ જર્મનીના ચાન્સેલર મર્ઝ સાથેની મંત્રણામાં તેઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સમયે મેલોનીએ મેક્રોં તરફ આંખ ગોળ ફેરવી હતી, જેનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કેનેડાનાં પી.એમ. કાર્નીએ ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધો પર ભાર મુક્યો હતો.








