'લડવા દો, બંનેને ભલે લડતા' રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ટ્રમ્પે કહ્યું
- 24 કલાકમાં યુદ્ધ બંધ કરાવી દઈશ તેમ કહેનાર ટ્રમ્પે ફેરવી તોળ્યું
- આ પૂર્વે ટ્રમ્પે દાવો કર્યો હતો કે, પુતિને તેમને કહ્યું હતું કે, યુક્રેને ઊંડે સુધી કરેલા ડ્રોન હુમલાનો મોસ્કો કટ્ટર જવાબ આપશે
વોશિંગ્ટન, (ડીસી) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે, બંનેને લડતા છૂટા પાડી શાંતિ માટે મધ્યસ્થી થઈએ તે પહેલાં રશિયા-યુક્રેન ભલે લડી રહેતા. જર્મનીના ચાન્સેલર ફ્રેડ્રીક મર્ઝ સાથે ઓવલ ઓફીસમાં પત્રકારોને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને બે છોકરાઓ વચ્ચેની મારામારી સાથે સરખાવતાં કહ્યું હતું કે, 'તેમને છુટા પાડતાં પહેલાં, તેમને લડી લેવા દેવા જોઈએ.' તેઓએ વધુમાં કહ્યું કે આ સરખામણી મે પુતિન સાથે બુધવારે થયેલી વાતચીતમાં તેઓને ફોન ઉપર કરી હતી.
આમ છતાં પ્રેસિડેન્ટે પ્રતિબંધો તો તૈયાર રાખ્યા જ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, 'જે ક્ષણે લાગશે કે આ હવે અટકે તેમજ નથી ત્યારે અમે સખત કડક બનીશું.'
ટ્રમ્પની આ ટીકા અંગે તેઓની બાજુમાં જ બેઠેલા જર્મનીના ચાન્સેલર મર્ઝને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે પણ ટ્રમ્પના જેવું જ મંતવ્ય ધરાવીએ છીએ. વાસ્તવમાં તે યુદ્ધે તો ખાનાખરાબી કરી નાખી છે. ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વની 'ચાવીરૂપ' વ્યક્તિ કહેતાં મર્ઝે જણાવ્યું તેઓ જ આ રક્તપાત રોકી શકે તેમ છે.
આમ છતાં તેઓએ તેવી પણ સ્પષ્ટતા કરી કે જર્મની યુક્રેન તરફી છે કીવે માત્ર રશિયાનાં સૈન્ય સંસ્થાનો ઉપર જ હુમલા કર્યા છે. રશિયાના નાગરિકો ઉપર નહીં અમે તેઓ (પ્રબળ) બને તેમ જ ઈચ્છીએ છીએ.