વડાપ્રધાન ફ્રેન્કોઈસ વિશ્વાસનો મત હારી જતાં ડાબેરીઓ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનું પણ ત્યાગપત્ર માગે છે

- ફ્રાંસમાં રાજકીય અસ્થિરતાનો દોર ચાલુ
- નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસના મતમાં ફ્રેન્કોઈસનો 364 વિ. 194 મતે પરાજય થયો : ફ્રેન્કોઈસ મેક્રોંના મિત્ર છે
પેરિસ : ફ્રાંસમાં રાજકીય અસ્થિરતાનો દોર સતત ચાલુ રહ્યો છે. પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંના મિત્ર અને સાથી પક્ષના નેતા વડાપ્રધાન ફ્રેન્કોઈસ બૈરોઉં ૩૬૪ વિ. ૧૯૪ મતે વિશ્વાસનો મત હારી જતા પ્રમુખ મેક્રોંને ભારે ફટકો પડયો છે. બીજી તરફ કટ્ટર ડાબેરીઓ તે પરાજય વાસ્તવમાં મેક્રોંનો જ થયો છે તેમ કહી મેક્રોંનું પણ ત્યાગપત્ર માગી રહ્યા છે.
ડીસેમ્બર ૨૦૨૪માં પ્રમુખ મેક્રોંએ તેઓના લાંબા સમયના રાજકીય સાથી બૈરાઉને વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા હતા. તેઓએ દેશનું દેવું ઘટાડવા માટે કેટલાક કઠોર આર્થિક પગલાં લેવા શરૂ કર્યા હતાં, તેથી જમણેરીઓ અને ડાબેરીઓ બંને નારાજ હતા. તે બંનેના કટ્ટરપંથી નેતાઓ તો આ કઠોર પગલાઓથી ખરેખરા ધૂંધવાયા હતા.
સોમવારે બૈરાઉ વિશ્વાસનો મત હારી ગયા પછી લગભગ તુર્ત જ ફ્રાંસની ફાર લેફટ પાર્ટી ફ્રાંસ-અન્બોઉડ પાર્ટીના નેતા માથીદે પેનોટે પ્રમુખ મેક્રોનું પણ ત્યાગપત્ર માગ્યું હતું અને કહ્યું હતું કે, આપણે તેવા બીજા વડાપ્રધાનની જરૂર નથી કે જેઓ તેની તે જ નીતિને અનુસરે અત્યારે મુખ્ય પ્રશ્ન તો તે છે કે પ્રમુખ મેક્રોં જનમતને સ્વીકારવાની ના કહે છે. તેથી હવે પ્રમુખને જ દૂર કરવાની જરૂર છે.
અત્યારે પ્રમુખ મેક્રોં ભારે ભીંસમાં છે. છેલ્લા ૧૨ મહિનામાં ફ્રાંસમાં ૩ વડાપ્રધાન બદલાયા છે. હવે, ફ્રેન્કોઇસ પણ જતાં, ૪થા વડાપ્રધાન પણ ગયા. મેક્રોં માટે નવા વડાપ્રધાન શોધવાની જવાબદારી આવી પડી છે. પ્રશ્ન તે છે કે હવે ફ્રાંસમાં થશે શું ?
કટ્ટર જમણેરી નેતા મરીને લે પેને પ્રમુખને નેશનલ એસેમ્બલી (સંસદ) વિખેરી નાખી, નવી ચૂંટણી યોજવાની સલાહ આપી છે. તેઓ કહે છે, ફ્રાંસ જેવો વિશાળ દેશ અત્યારની અશાંત અને ભયાવહ વૈશ્વિક પરિસ્થિતિમાં પેપર-ગવર્નમેન્ટ સાથે રહી જ ન શકે.
મેક્રોં પાસે બે માર્ગ છે. એક કેબિનેટ રીશફલ કરવાનો અથવા સ્વયમેવ પદ ત્યાગ કરવાનો.








