કોરોના વાયરસની મહામારી વચ્ચે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની તબિયત નાજૂક છે. આમ તો ઉત્તર કોરિયામાં કિમ પરીવારનું છેલ્લા 70 વર્ષથી એક હથ્થુ શાસન ચાલતું હોવાથી માહિતી બહાર આવતી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં 36 વર્ષના તાનાશાહનું બ્રેઇન ડેડ થયું હોવાનું ચર્ચામાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો ઉત્તર કોરિયાના તાનાશાહ સાજા થાય તેવી કામના પણ કરી છે એવું માનવામાં આવે છે કે બ્રેઇન સર્જરી નિષ્ફળ ગઇ છે. ઘણા સમયથી કિમ જોગ ઉન ઉત્તર કોરિયાના કોઇ સરકારી કાર્યક્રમોમાં દેખાતા નથી. નવાઇની વાત તો એ છે કે ઉત્તર કોરિયાના સ્થાપક અને તેમના દિવંગત દાદા કિમ ઇલ સૂગની 108મી જન્મ જયંતિના સમારોહમાં પણ ભાગ લીધો ન હતો.

2012માં ઉત્તર કોરિયાની ધૂરા સંભાળ્યા પછી પ્રથમ વાર ઉનની ગેરહાજરી જોવા મળી હતી. શાસક કિમ જોગ ઉનની બહેન કિમ યો જોંગ તેની સૌથી વિશ્વસનિય સાથી અને ઉતરાધિકારી છે. 11 એપ્રિલ 2020માં કિમ યો જોંગને નોર્થ કોરિયાના પોલિત બ્યૂરોમાં સદસ્ય તરીકે ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. કિમ જોગ ઉનની બહેન વિદેશમાં પણ ઉત્તર કોરિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 2018માં દક્ષિણ કોરિયામાં યોજાયેલા વિન્ટર ઓલિમ્પિકમાં પોતાના દેશના રમતવીરોની ટીમ નું નેતૃત્વ કરી ચૂકી છે.
દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની મિલિટરી એકસરસાઇઝનો વિરોધ કર્યો ત્યારે તેણે દક્ષિણ કોરિયાની સરખામણી ડરીને ભસતા કુતરા સાથે કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોગ ઉનની મૂલાકાતમાં તેની મહત્વની ભૂમિકા હતી. 28 સપ્ટેમ્બર 1989માં જન્મેલી તાનાશાહની પત્ની સાથે રી સોલ જુ ને સારા સંબંધો છે. પરમાણુ પરીક્ષણો અને ઉન્માદ માટે પંકાયેલો ઉત્તર કોરિયા દેશની પ્રજા બાકીની દુનિયાથી કપાએલી છે. પાડોશી દક્ષિણ કોરિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહયું છે પરંતુ ઉત્તર કોરિયામાં શું સ્થિતિ છે એ કોઇ જાણતું નથી.
છેલ્લા સાત દાયકાથી કિમ જોગ ઉન પરીવારની ભકિત કરવી એ જ પ્રજાની નિયતિ છે. સરકારની નિતિઓનો વિરોધ કરનારાની કેવી દશા થાય છે એના સેંકડો દાખલાઓ કમકમાટી ઉપજાવે તેવા છે આથી ઉત્તર કોરિયાના કિમ પરીવારના ત્રણ તાનાશાહો સ્થાપક સ્વ કિમ ઇલ સૂંગ, તેમનો સ્વ પુત્ર કિમ જોંગ ઇલ અને બિમાર મનાતા પૌત્ર કિમ જોગ ઉન વિશે જાણવું રસપ્રદ છે.
કિમ ઇલ સૂંગ - સૌથી વધુ ૪૫ વર્ષ શાસન કરનારા તાનાશાહ

કિંમ ઇલ સૂંગ જન્મ - ૧૫ એપ્રિલ -૧૯૧૨
મુત્યુ ૮ જુલાઇ ૧૯૯૪
શાસનવર્ષ - ૧૯૪૮ થી ૧૯૯૪ સુધી (૪૬ વર્ષ) -
ઉત્તર કોરિયાના વર્તમાન તાનાશાહ કિમ જાગ ઉનના દાદા કિમ ઇલ સૂંગ ૨૦મી સદીમાં સૌથી વધુ ૪૬ વર્ષ એક હથ્થુ શાસન ચલાવવાનો રેકોર્ડ ધરાવતા હતા.૮ મી ઓગસ્ટ ૧૯૪૫ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારતા બીજા વિશ્વયુધ્ધનો અંત આવતા કિમ ઇલ સૂગ સોવિયત સંઘની મદદથી ઉત્તર કોરિયાની વર્કર પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા.મે ૧૯૪૮માં તેઓએ અલગ ઉત્તર કોરિયાની જાહેરાત કરી સરમુખત્યાર બન્યા હતા. કિમ ઇલ સૂંગે ઉત્તર કોરિયાના વિકાસ માટે દુનિયામાં કયાંય જોવા ન મળતી જૂચે નામની સેલ્ફ રિલાયન્સ થિયેરી અપનાવતા ઉત્તર કોરિયામાં કટ્ટર રાષ્ટ્રવાદનો પાયો નખાયો હતો.
આજે પણ આ થિયેરીની અસરથી ઉત્તર કોરિયા વિશ્વના બાકી દેશો કરતા જુદું પડે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલા કોરિયામાં જાપાનનું શાસન હતું ત્યારે ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઇલ સૂગે જાપાનની મિલિટરી સામે ગેરિલા વૉર ચલાવ્યું હતું. તેમણે ૨૬ વર્ષ સુધી કોરિયાની બહાર ચીનના મન્ચુરિયા પ્રાંતમાં શરણાર્થી તરીકે રહેવું પડયું હતું. મન્ચુરિયામાં તેઓ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઇને જાપાન સામે ગેરિલા વૉર લડયા હતા.કિમ ઇલ સૂંગના નેતૃત્વમાં કોરિયન શરુ વોર શરુ થયું જેમાં ૩૦ લાખથી વધુ લોકોના મોત થયા હતા.આ સમયે અમેરિકાએ કોરિયાના દક્ષિણ ભાગને મદદ કરતા અમેરિકા સાથે ઉત્તર કોરિયા સાથે વેરના બીજ રોપાયા હતા.
કિમ જોંગ ઇલ - પ્રજા ભૂખે મરતી હતી ત્યારે હોલીવુડની ફિલ્મો જોતા

કિમ જોંગ ઇલ -૧૬ ફેબુઆરી જન્મ ૧૯૪૧
મુત્યુ ૨૭ ડિસેમ્બર ૨૦૧૧
શાસન વર્ષ (૧૯૯૪ થી ૨૦૧૧) (૧૭ વર્ષ)
કિંમ સુંગ ઇલના અવસાન પછી ઇશ્કે મિજાજી અને ક્રુર શાસકની ઓળખ ધરાવતા પુત્ર કિમ જોંગે ૧૯૯૬માં ઉત્તર કોરિયાનું શાસન સંભાળ્યું હતું.૧૯૯૧માં સોવિયતસંઘના વિઘટન પછી ઉત્તર કોરિયાએ રશિયાનો મજૂબત આર્થિક ટેકો ગુમાવતા દેશમાં ગરીબી અને ભૂખમરો ફાટી નિકળ્યો હતો.ઉત્તર કોરિયામાં ભૂખે ટળવળીને ૩૦ લાખથી પણ વધુ લોકોના મોત થયા હતા.આવા સમયે પણ કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાને ન્યુકલીઅર પાવર બનાવવામાં વ્યસ્ત હતા.સૌથી ઘુ્રણાસ્પદ વાત તો એ હતી કે નોર્થ કોરિયાના બજારમાં માણસોનું માંસ પણ વેચાતું હતું. શરાબ,સુંદરીઓ અને હોલીવુડ ફિલ્મોનો શોખ ધરાવતા કિમ જોંગ ઇલે દક્ષિણ કોરિયાની ફિલ્મોના ડાયરેકટર શિન સાંગ ઓક અને તેની એકટ્રેસ પત્નિનું અપહરણ કર્યુ હતું.
બંન્ને ૫ વર્ષ એજ્યુકેશન જેલમાં નજર કેદ રાખ્યા પછી ઉત્તર કોરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવાની શરતે છોડયા હતા.કિમ જોંગ ઇલને હોલીવુડની એકશન ફિલ્મો જોવાનો શોખ હોવાથી ૨ હજારથી પણ વધુ ફિલ્મોની ડીવીડીનું કલેકશન હતું.તેને પોતાની સેવામાં ૨૦૦૦ જેટલી સુંદર મહિલાઓનું ગુ્રપ રાખતો હતું.કિમ જોંગ ઇલે ૨૦૦૬માં પહેલીવાર ન્યુકલીઅર વિસ્ફોટ કરીને દુનિયાને ચોંકાવી દિધી હતી.૨૦૧૧માં તેના અવસાન પહેલા પોતાના ત્રીજા નંબરના પુત્ર કિમ જોંગ ઉનને ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો.
કિમ જોંગ ઉન - ક્રુર તાનાશાહીનો મોર્ડન ફેસ

જન્મ - જાન્યુઆરી ૧૯૮૩
શાસનવર્ષ - ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ થી અત્યાર સુધી
૨૭ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઇલનું અવસાન થતા ૨૮ વર્ષની યુવાન વયે પુત્ર કિમ જોંગ ઉને શાસન સંભાળ્યું હતું. આટલી નાની ઉંમરનો બિન અનુભવી યુવાન ઉત્તર કોરિયાને સંભાળી નહી શકે એવું માનવામાં આવતું જે તેને ખોટું પાડયું છે. કિમ જોંગ ઉને વારસામાં મળેલી રાષ્ટ્રવાદી નીતિઓ અને ડિફેન્સ એજન્ડાને આગળ વધારીને ખૂબજ શકિતશાળી બની ગયો છે. કિમ જોંગ ઉન એટલો ક્રુર છે કે તેને જેની સાથે મતભેદ પડે તેને તે મુત્યુદંડ આપતા ખચકાતો નથી. અમેરિકા જેવા મહાશકિતશાળી દેશોના આંતરરાષ્ટ્રીય દબાણો વચ્ચે પણ પોતાના એકચક્રી શાસનને મજબૂત બનાવ્યું છે.
કિમ જોંગ ઉને એન્ટી બેલાસ્ટિક મિસાઇલો અને ન્યુકલીઅર ઇનોવેશનને તેજ ગતિએ આગળ વધારી છે. ઉત્તર કોરિયા પાસે ૧૯૪૫માં જાપાન પર ફંકાયેલા અણુબોંબ કરતા ૧૬ ગણા શકિતશાળી ન્યુકલીઅર બોંબ છે. કિમ જોંગ ઉને હાઇડ્રોજન બોબનું પરીક્ષણ કરીને માથાનો ફરેલો છે તે સાબીત કર્યુ હતું. ઉત્તર કોરિયાની પ્રજાને વૉર માટે તૈયાર એલર્ટ કરીને ૬૦ લાખથી વધુનું સૈન્ય તૈયાર કર્યુ છે. તેના દાદા કિમ ઇલ સૂંગે અપનાવેલી સેલ્ફ રિલાયન્સ થિયેરી મુજબ દુનિયાના દેશો સાથે મર્યાદિત સંબંધ રાખે છે. તે પોતાના પિતા કરતા પણ ૪૫ વર્ષ સુધી શાસન કરનારા દાદાને વધુ અનુસરે છે.


