જાણો,પાકિસ્તાનમાં બ્રાહ્મણાબાદ તરીકે ઓળખાતી પુરાતત્વ સાઇટ વિશે, હિંદુ રાજાઓનું સાત કિલ્લાવાળું શહેર હતું
બ્રાહ્મણાબાદ તરીકે ઓળખાતું શહેર આર્થિક અને વેપારનું પણ કેન્દ્ર હતું
મોહંજો દરો અને હડપ્પા પછી બીજી એક મહત્વની પુરાતત્વ સાઇટ છે
નવી દિલ્હી,28 મે,2022, શનિવાર
પાકિસ્તાન ભલે ઇસ્લામિક દેશ હોવાનું ગાણું ગાય પરંતુ તેની જમીન નીચે છુપાએલા પૂરાવાઓ અને ઇતિહાસને ભૂલાવી શકે તેમ નથી. મોહંજો દરો અને હડપ્પા પછી બીજી એક મહત્વની પુરાતત્વ સાઇટ આવેલી છે. કરાંચીથી ટ્રેનમાર્ગે લાહોરના શાહદાદપુર રેલવે સ્ટેશનથી અંદાજે ૧૮ કિમી દૂર આવેલી આ ઐતિહાસિક સાઇટને બ્રાહ્મણાબાદ તરીકે ઓળખવામાં આવે છે. આ સાઇટ પર એક બૌધ્ધ સ્તૂપ જેવું પુજાસ્થળ છે.
ઇસ ૧૮૫૪માં અંગ્રેજોએ પ્રથમ વાર આ પુરાતત્વ સ્થળનું ખોદકામ કરાવ્યું હતું
ઇસ ૧૮૫૪માં બેલાસસ અને રિચર્ડસન નામના અંગ્રેજોએ પ્રથમ વાર આ પુરાતત્વ સ્થળનું ખોદકામ કરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ઉપ મહાદ્વીપમાં નદીની પાસે ટાપુની જેમ એક શહેર વસેલું હતું. ૧૯૪૭માં પાકિસ્તાન ભારતથી છુટું પડયું એ પછી ૧૯૬૨માં પાકિસ્તાનના રાષ્ટ્રીય પુરાતત્વ મંત્રાલય દ્વારા પણ ખોદકામ થયું હતું. આ ખોદકામનો પ્રાથમિક અહેવાલ તો મળતો હતો પરંતુ મુદ્વાસરની લંબાણપૂર્વકની માહિતી કયારેય પ્રકાશિત કરવામાં આવી ન હતી. આ સ્થળને મંસુરા તરીકે ઉલ્લેખ કરીને ઇસ્લામ પછીના મસ્જીદના અવશેષ પ્રાપ્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ કેટલાક સમય પહેલા પાકિસ્તાનની શાહ અબ્દૂલ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના અધ્યક્ષ ડોકટર ગુલામ મોહિઉદીન વીસરના નેતૃત્વમાં આ પુરાતત્વ સ્થળે સંશોધન કર્યુ હતું.
મોહન જો દડોની જેંમ બ્રાહમણાબાદમાં પણ પીવાના પાણીના કુવા મળેલા
એવું માનવામાં આવે છે કે મોહમ્મદ બિન કાસિમે આ શહેરને જીત્યું એ પહેલા પણ અસ્તિત્વ ધરાવતું હતું. ઇસ્લામિકકાળ ઉપરાંત પૂર્વ ઇસ્લામિક સમયના પણ પુરાવા મળે છે. કેટલાક પુરાવા મુજબ અહીં નગરરચના બીજી સદીમાં થઇ હતી જેનું નામ બ્રાહ્મણાબાદ આપવામાં આવ્યું હતું. આ શહેર આર્થિક અને વેપારનું પણ કેન્દ્ર રહયું હતું. અગાઉના સ્ટડીમાં સિક્કા સહિતની અનેક કલાકૃતિઓ મળી હતી જેને અંગ્રેજો બ્રિટીશ સંગ્રહાલયમાં લઇ ગયા હતા. થોડાક સમય પહેલા થયેલા સંશોધનમાં કીંમતી પથ્થર,નીલમ,રુબી અને પન્ના પણ મળ્યા હતા. એટલું જ નહી કિંમતી પથ્થરોને પોલિશ કરવાના ઓજાર પણ મળ્યા હતા. આ ઉપરાંત હાથીદાંતના ઘરેણાનો સમાવેશ થાય છે. મોહન જો દડોની જેંમ બ્રાહમણાબાદમાં પણ પીવાના પાણીના કુવા મળેલા છે જો કે તે હડપ્પા કરતા જુદા જ પ્રકારના છે.
મોહંમદ બિન કાસિમને આ હિંદુ રજવાડાએ લાંબી લડત આપી હતી.
સિંધી ભાષાના ઇતિહાસકાર અને નાટયકાર મિરજા કલીચ બેગે પ્રાચીન સિંધમાં લખે છે કે બ્રાહ્મણાબાદ હિંદુ રાજાઓના સમયમાં સાત મોટા કિલ્લાવાળું શહેર હતું. બ્રાહ્મણબાદના રાજા ચચના શાસનકાળમાં સમુદ્રકાંઠા સુધી હકુમત ચાલતી હતી. રાજા ચચે યુધ્ધ કરીને આ શહેર પર કબ્જો મેળવ્યો હતો.
ચચ પછી તેનો પુત્ર દાહિર ગાદીએ બેઠો હતો. આ શહેરમાં જયોતિષ વિજ્ઞાાનમાં માહિર લોકો આવતા હતા.રાજા ચચે હિંદુ હોવા છતાં બૌધ્ધધર્મ સ્થળનું નિર્માણ થવા દીધું હતું. જો કે સાઇટ પર બૌધ્ધ સ્તૂપ જોવા મળે છે તેમાં બૌધ્ધ સ્તૂપની ખાસિયત કે કોઇ મુર્તિ જોવા મળતી નથી. મોહંમદ બિન કાસિમને આ હિંદુ રજવાડાએ લાંબી લડત આપી હતી.
કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે બ્રાહ્મણાબાદ શહેર ઇરાની રાજાએ વસાવ્યું હતું. સસાનિદ પરિવારના શાસક ગુશ્તસ્પએ સિંધુઘાટીનું શાસન પોતાના પૌત્ર બહમનને સોંપ્યું હતું.બહમને સિંધમાં એક શહેર વસાવ્યું જે નામ બહમનો હતું જે પછીથી બ્રહ્મબાદ અને બ્રાહ્મણાબાદ તરીકે જાણીતું બન્યું હતું.
કેટલાક અરબ પ્રવાસીઓ બ્રહ્મબાદ અને મંસૂરાને એક જ શહેર માને છે. અરબોએ રાજકિય જરુરીયાત માટે શહેરો વસાવવાની શરુઆત કરી જેમાંનું એક મંસુરા જે બ્રાહ્મણાબાદની નજીક હતું અથવા તો તેમાં બ્રહ્મણાબાદના મોટા ભાગનો પણ સમાવેશ થઇ જતો હતો.