કેનેડામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગને આંતકી સંગઠન જાહેર કરવામાં આવ્યું

મિસિસાગામાં ભારતીયવિરોધી નફરત ફેલાવતાં સૂત્રો લખાતાં રોષ
કેનેડાના મિસિસાગામાં બાળકોના પાર્કમાં ભારતીયો વિરોધી નફરત ફેલાવતાં સૂત્રો લખાતાં રોષ ફેલાયો
કેનેડાની સરકારે હાલ સાબરમતી જેલમાંથી ઓપરેટ કરતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યું છે. રૂઢિચુસ્ત એનડીપી નેતાઓની માંગણી બાદ લેવામાં આવેલાં આ પગલાંને પરિણામે કોઇપણ કેનેડિયન નાગરિક આ ગેંગને આર્થિક સહાય આપશે કે તેના માટે કામ કરશે તેને ગુનો ગણવામાં આવશે. કેનેડાની લિબરલ સરકારે જણાવ્યું હતું કે આ ગેંગ કેનેડામાં એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવે છે. આ ટોળકી હત્યા, ગોળીબાર અને આગ ચાંપવા જેવી ઘટનાઓમાં સંડોવાયેલી છે અને તે એક સમુદાયને ડરાવી ધમકાવી ખંડણી ઉઘરાવવાનું કામ પણ કરે છે. જેને કારણે આ સમુદાયના સભ્યોમાં અસલામતિનું વાતાવરણ ઉભું થયું છે. લોરેન્સ બિશ્નોઇ ગેંગને સામેલ કરવા સાથે કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ હવે ૮૮ આંતકી સંગઠનો સક્રિય છે.
આ યાદીમાં સામેલ કરવામાં આવેલાં આંતકી સંગઠનની કેનેડામાં આવેલી સંપત્તિ, વાહન અને નાણાં જપ્ત કરી કે સ્થગિત કરી શકાય છે. કેનેડાના કાયદા હેઠળ આવા સંગઠનો સામે આતંકી ગુનાઓની કાર્યવાહી કરવા એજન્સીઓને વધારે સત્તા મળે છે. જેમાં તેઓ તેમના નાણાં, પ્રવાસ અને ભરતી સબંધિત ગુનાઓ સામે પણ કામ ચલાવી શકે છે. આ ક્રમિનલ કોડનો ઉપયોગ ઇમિગ્રેશન અને સરહદી અધિકારીઓ દ્વારા કેનેડામાં પ્રવેશ આપવાના મામલે માપદંડ તરીકે કરવામાં આવે છે.
જાહેર સલામતિ વિભાગના પ્રધાન ગેરી આનંદસાંગારીએ જણાવ્યું હતું કે હિંસા અને આતંકને કેનેડામાં કોઇ સ્થાન નથી. જ્યારે કોઇ સમુદાયને ડર અને ધમકીના માહોલમાં જીવવાની ફરજ પાડવામાં આવે ત્યારે તો આ બાબત ચલાવી લઇ શકાય નહીં. કેનેડામાં દરેક વ્યક્તિને તેના ઘર અને સમુદાયમાં સલામતિ અનુભવવાનો અધિકાર છે અને સરકાર તરીકે લોકોનું રક્ષણ કરવાની અમારી આ મૂળભૂત ફરજ છે.
કેનેડાની સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે બિશ્નોઇ ગેંગ ભારતમાંથી ઓપરેટ કરતી આંતરરાષ્ટ્રીય આતંકી ટોળકી છે. તેમની કેનેડામાં હાજરી છે અને તેઓ ભારતીય સમુદાયોના વિસ્તારોમાં સક્રિય છે. લોરેન્સ બિશ્નોઇ હાલ સાબરમતિ સેન્ટ્રલ જેલમાં બંધ છે. ચંદીગઢના આ ભૂતપૂર્વ સ્ટુડન્ટ નેતા સામે પંજાબમાં સિધુ મુસેવાલાની હત્યા અને મુંબઇમાં બાબા સિદ્દિકીની હત્યાના કેસો નોંધાયેલાં છે. તે જેલમાં રહી તેનું ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું મનાય છે.








