Get The App

બેલ્જિયમમાં લિટલ આઇન્સ્ટાઇન તરીકે જાણીતો લોરેન્ટ સિમોન્સ 15 વર્ષે પીએચડી થયો

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
બેલ્જિયમમાં  લિટલ આઇન્સ્ટાઇન તરીકે જાણીતો લોરેન્ટ સિમોન્સ 15 વર્ષે પીએચડી થયો 1 - image


- લોરેન્ટ ક્વોન્ટમ ફિઝિકસ બાદ એઆઇમાં બીજી પીએચડી કરવા મ્યુનિક ગયો 

- પ્રતિભાશાળી કિશોર ડોક્ટર લોરેન્ટ સિમોન્સનું ધ્યેય માણસની આવરદા લંબાવી તેને અમર બનાવવાનું છે   

એન્ટવર્પ, બેલ્જિયમ : બેલ્જિયમમાં લિટલ આઇન્સ્ટાઇન તરીકે વિખ્યાત લોરેન્ટ સિમોન્સ ક્વોન્ટમ ફિઝિક્સ વિષયમાં પીએચડી કરી પંદર વર્ષની વયે જ ડોક્ટર બની ગયો છે. ભારતીય ભૌતિક શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે સો વર્ષ અગાઉ જેનો પાયો નાંખ્યો હતો તે ક્વોન્ટમ ફિઝિક્સના વિષયમાં લોરેન્ટે ગયા મહિને યુનિવર્સિટી ઓફ એન્ટવર્પમાં પોતાનો મહાનિબંધ નામે બોઝ પોલારોન્સ ઇન સુપરફ્લુઇડસ અન્ડ સુપર સોલિડ્સ સુપરત કર્યો હતો. ડોકટર બની ગયા પછી લોરેન્ટ હવે બ્રેક લેવાને બદલે બીજી ડોક્ટરેટ મેળવવા માટે મ્યુનિક પહોંચી ગયો છે. તે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના મેડિકલ સાયન્સમાં ઉપયોગ વિશે પીએચડી કરવા માંગે છે તેમ તેના માતાપિતાએ વીટીએમ ન્યુસને જણાવ્યું હતું. 

જેના જીવનનું ધ્યેય સુપર હ્યુમન બનાવવાનું છે તે  લોરેન્ટ નવ વર્ષની વયથી જ માનવજીવનની આવરદા વધારવાની દિશામાં કામ કરી રહ્યો છે. લોરેન્ટ માણસને અમર બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છે. 

આઠ વર્ષની ઉંંમરે જ હાઇસ્કૂલનું શિક્ષણ પતાવી લોરેન્ટે બાર વર્ષની વયે તો ફિઝિક્સમાં  બેચલર્સની ડિગ્રી મેળવી લીધી હતી. તેણે ત્રણ વર્ષનું ભણતર માત્ર અઢાર મહિનામાં પુરૂ કરી દઇ સનસનાટી મચાવી દીધી હતી. તેના માતાપિતા લિડિયા અને એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે યુએસ અને ચીનની મોટી ટેક કંપનીઓએ લોરેન્ટને તેમના રિસર્ચ સેન્ટર્સમાં જોડાવાની ઓફર કરી હતી પણ તેમણે આ ઓફર્સ નકારી કાઢી હતી. તેઓ લોરેન્ટને તેની ગતિએ વિકાસ કરવા દેવા માંગતા હતા. 

બેચલર્સ ડિગ્રી મેળવ્યા બાદ લોરેન્ટ ક્વોન્ટમ ફિઝિક્સમાં માસ્ટર્સની ડિગ્રી પુરી કરવાની દિશામાં આગળ વધ્યો હતો. 

તેણે બોઝોન્સ, બ્લેક હોલ્સ અને અત્યંત નીચા તાપમાને બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ-બીઇસી- જેવા વિષયો ભણવા માંડયા હતા. ૨૦૨૨માં તેણે બીઇસી પર પોતાની થિસિસ રજૂ કરી હતી. બીઇસીને પદાર્થનું પાંચમુ સ્વરૂપ ગણવામાં આવે છે.

 આ વિચારને સાકાર કરવા ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે ક્વોન્ટમ સ્ટેટેટિક્સની રચના કરી હતી. એ પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇને આ વિચારોને આગળ ધપાવી કલ્પના કરી હતી કે આ પરમાણુઓના જૂથને અતિ નીચા તાપમાને લઇ જવામાં આવે તો શું થાય. આ અવસ્થામાં પરમાણુઓ એકમેકને ચોંટી એક જ પરમાણુ તરીકે વર્તવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે તેમના અસામાન્ય ગુણધર્મોને  કારણે બીઇસી ક્વોન્ટમ સિમ્યુલેટર તરીકે કામ કરે છે. જેને કારણે ભૌતિકશાસ્ત્રીઓને તેની મોડેલ ઇફેકટ્સનો અભ્યાસ કરવાની તક મળે છે જે સામાન્ય અવસ્થામાં મળતી નથી. 

લોરેન્ટ સૌથી નાની વયનો પીએચડી ધારક નથી

લોરેન્ટે પંદરવર્ષની વયે ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે પણ તે સૌથી નાની વયનો પીએચડી ધારક નથી. આ બહુમાન ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ અનુસાર જોહાન હેન્રિક ફ્રેડરીક કાર્લ વિટ્ટને મળેલું છે જેણે જિસસેન યુનિવર્સિટીમાંથી ૧૩ વર્ષ અને ૨૮૩ દિવસની વયે ૧૮૧૪માં ડોક્ટરેટ મેળવી હતી. 

Tags :