ભારત સહિત 35 દેશોની ભાગીદારી ધરાવતા જગતના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટનો આરંભ
- સફરજન જેટલા અણુ જથ્થા વડે 10 હજાર ટન કોલસા જેટલી ઊર્જા પેદા થશે
- આ પ્રોજેક્ટ ધરતી પર મિની સૂર્ય ઉભો કરવા અંગેનો છે : ૨૩.૫ અબજ ડૉલરનું બજેટ અને ૨૩ હજાર ટન વજન ધરાવતા રિએક્ટરનું કામ ૨૦૨૫માં પૂર્ણ થશે
પેરિસ, તા. 29 જુલાઈ 2020, બુધવાર
ફ્રાન્સમાં જગતના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટનો આરંભ થયો છે. આ પ્રોજેક્ટ પરમાણુ ફ્યુઝન એટલે કે બે પરમાણુ ભેગા કરીને ઊર્જા મેળવવા અંગેનો છે. જો પ્રયોગ સફળ રહેશે તો જગતની ઊર્જા સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. પ્રોજેક્ટ પાછળ કુલ ૨૩.૫ અબજ ડૉલર (૧૭૬૦ અબજ રૂપિયા) ખર્ચાઈ રહ્યા છે અને ભારત સહિત જગતના ૩૫ દેશો સંયુક્ત રીતે તેનું આયોજન કરી રહ્યાં છે. આ પ્રોજેકટ એક પ્રકારનું પરમાણુ રિએક્ટર તૈયાર કરવાનો છે, જે અણુના ભંજન (મિશ્રણ)થી પેદા થતી ઊર્જાને કાબુમાં કરી શકે.
આજે આ પ્રોજેક્ટના એસેમ્બલિંગનો આરંભ થયો હતો. એ કામ ૨૦૨૫ સુધી ચાલશે. એ પછી બધું બરાબર જણાતા તેમાં અણુ ઊર્જા પેદા કરવાનો અને ખાસ તો પેદા થતી ઊર્જાને નાથવાનો પ્રયાસ કરાશે. આ પ્રોજેક્ટ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આકાર લઈ રહ્યો છે. આ પ્રકારનું રિએક્ટર બાંધવુ એ અતિ મુશ્કેલ કામ છે. તેનું રિએક્ટર કુલ ૨૩ હજાર ટન વજનનું થશે. એ વજનમાં ૩ હજાર ટન વજનતો માત્ર સુપરકન્ડક્ટિંગ મેગ્નેટનું છે. આ મેગ્નેટને સતત માઈનસ ૨૬૯ ડીગ્રી તાપમાને ઠંડા રાખવા પડશે. આ પ્રોજેક્ટના કેટલાક પાર્ટ્સ ભારતની એલ એન્ડ ટી દ્વારા તૈયાર કરાયા છે.
જોકે તેમાં પેદા થનારા પ્લાઝમાનું તાપમાન ૧૫ કરોડ અંશ સેન્ટિગ્રેડ એટલે કે સૂર્યના તાપમાન કરતાં દસગણુ વધારે હશે. આ પ્રોજેક્ટ સફળ થશે અને પ્રયોગ દરમિયાન પ્રથમ પ્લાઝમા રૂપી ઊર્જા પેદા કરશે તો એ ઊર્જાનો જથ્થો ૫૦૦ મેગાવોટ જેટલો હશે. અમેરિકા આખો દેશ અત્યારે ૫૦ મેગાવોટ પરમાણુ ઊર્જા મેળવે છે. તેના કરતા દસગણી ઊર્જા આ એકલા પ્રોજેક્ટના એક પ્રયાસમાં મળી શકશે.
આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દસ હજાર ટન કોલસા દ્વારા મળતી ઊર્જા અહીં સફરજન આકારના અણુ જથ્થા દ્વારા મળી શકશે.
આ પ્રોજેક્ટની મંજૂરી તો ૨૦૦૬માં જ મળી ગઈ હતી. પરંતુ તેની તૈયારીમાં ઘણો સમય લાગ્યો હતો. ૩૫ ભારીદાર દેશોમાં યુરોપિયન સંઘના ૨૭ દેશો ઉપરાંત ભારત, અમેરિકા, જાપાન, ચીન, રશિયા, દક્ષિણ કોરિયા અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. અત્યારે કુલ ૨૩૦૦ વિજ્ઞાની-એન્જિનીયરો અને કામદારો આ પ્રોજેક્ટ શરૂ કરવાના કામમાં લાગ્યા છે.
પરમાણુ ફ્યુઝન એટલે અખૂટ ઊર્જા
અત્યારે જગતમાં પરમાણુ ઊર્જા મેળવાય છે, પરંતુ એ પરમાણુ ફિઝન (વિભાજન) દ્વારા. પરમાણુ ભેગા કરીને પણ ઊર્જા મેળવી શકાય. એ માટે જોઈએ એવી ટેકનોલોજી હજુ સુધી વિકસી શકી નથી. પરમાણુ ફ્યુઝન દ્વારા પેદા થતી ઊર્જાનો જથ્થો અને તાકાત પ્રચંડ હોવાથી તેમાં સૌથી મોટો પ્રશ્ન પેદા થતી ઊર્જાને કાબુમાં રાખવાનો થાય છે. જ્યારે કાબુમાં રાખવાની ફૂલપ્રુફ ટેકનોલોજી શોધાઈ જશે, ત્યારે આ રીતે ઊર્જા મેળવવી સરળ બની જશે. આ પ્રોજેક્ટને બીજા શબ્દોમાં મીનિ સૂર્યમાં પરમાણુ ફ્યુઝન થાય છે, માટે અખૂટ ઊર્જા પેદા થતી રહે છે.