Get The App

મસ્કને જોરદાર ઝટકો, ઓરેકલના સ્થાપક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યાં, જાણો કેટલી સંપત્તિ?

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
મસ્કને જોરદાર ઝટકો, ઓરેકલના સ્થાપક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યાં, જાણો કેટલી સંપત્તિ? 1 - image


Elon Musk News : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અત્યાર સુધી ટેસ્લાના માલિક ઇલોન મસ્કનું નામ સામે આવી રહ્યું હતું, જોકે હવે મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નથી રહ્યા, તેમનું આ સ્થાન હવે ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન છે. તાજેતરમાં જ એલિસનની સંપત્તિમાં ભારે ઉછાળો આવ્યો હતો અને તેમની સંપત્તિ વધીને 395.7 અબજ ડોલરે પહોંચી ગઇ હતી. જેને પગલે તેઓ વિશ્વના અબજોપતિઓની રેસમાં પ્રથમ ક્રમે પહોંચી ગયા.

81 વર્ષના લેરી એલિસનની કંપની ઓરેકલ કોર્પ.ના શેરમાં અચાનક જ ઉછાળો આવ્યો હતો, જેને પગલે તેમની સંપત્તિ વધી હતી. બ્લૂમબર્ગના અબજોપતિ ઇન્ડેક્સ મુજબ લેરીની સંપત્તિ 395.7 અબજ ડોલર સાથે ટોચના સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ઇલોન મસ્કની સંપત્તિ 385 અબજ ડોલર છે એટલે કે લેરી મસ્કથી 10 અબજ ડોલર વધુ સંપત્તિ ધરાવતા થઇ ગયા.

ઇલોન મસ્ક વર્ષ 2021માં પ્રથમ વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી આ સ્થાન પર રહ્યા જોકે આ દરમિયાન તેમને પછાડીને એમેઝોનના જેફ બેજોસ આગળ નીકળી ગયા આ ઉપરાંત બર્નાર્ડ આરનોલ્ટે પણ મસ્કને પાછળ રાખી દીધા હતા. હવે મસ્ક સહિત તમામ ધનવાનોને પછાડીને ઓરેકલના સ્થાપક લેરી એલિસન પ્રથમ ક્રમે પહોંચી ગયા છે. ફોર્બ્સની રિયલ-ટાઇમ બિલેનિયર રેકિંગ મુજબ બુધવારે જ એલિસનની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો હતો, જે પાછળનું કારણ તેમની કંપની ઓરેકલના શેરમાં ઉછાળો છે.

બુધવારે જ ઓરેકલના શેર 41 ટકા ઉછળ્યા હતા. જે વર્ષ 1992 બાદથી સૌથી મોટો ઉછાળો છે. કંપનીનું પુરુ ધ્યાન ક્લાઉડ બિઝનેસ પર છે. કોલેજ ડ્રોપઆઉટ લેરી એલિસને આ વર્ષે જુલાઇ મહિનામાં જ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન લઇ લીધુ હતું. તેઓ અમેરિકાની સોફ્ટવેર કંપની ઓરેકલ કોર્પોરેશનની માલિકી ધરાવે છે. ઓરેકલ વિશ્વની ચોથી સૌથી મોટી સોફ્ટવેર કંપની છે. તાજેતરમાં જ કંપનીએ એઆઇ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જોકે તેની અન્ય ક્લાઉડ પુરુ પાડતી કંપનીઓ માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ સાથે પણ સ્પર્ધા ચાલી રહી છે.

Tags :