ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજા માફ કરવા માગે છે ઈમરાન સરકારઃ PAK વિપક્ષનો આરોપ
'પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયથી બંધાયેલું છે કે તે કુલભૂષણ જાધવને પોતાની સજા વિરૂદ્ધ સમીક્ષા અરજી દાખલ કરવાનો અધિકાર આપે'
નવી દિલ્હી, તા. 19 જુલાઈ 2020, રવિવાર
પાકિસ્તાનમાં હાલ આ ચર્ચા ખૂબ સામાન્ય બની ગઈ છે કે શું ઈમરાન ખાન સરકાર ભારતના નિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવની સજા માફ કરવા માંગે છે? પાકિસ્તાનની વિપક્ષ પાર્ટીઓએ ઈમરાન સરકાર પર લગાવેલા આરોપ પ્રમાણે એક ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજાનો અંત લાવવા વિચારણા ચાલી રહી છે.
ભારતીય નૌસેનાના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ (50)ને પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટે એપ્રિલ 2017માં જાસુસી અને આતંકવાદના ખોટા કેસમાં મૃત્યુની સજા સંભળાવી છે. પાકિસ્તાનમાં કુલભૂષણનો મુદ્દો એટલી હદે ગરમ છે કે ત્યાંના કાયદા અને ન્યાય મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી છે. કાયદા અને ન્યાય મંત્રાલયના પ્રવક્તાએ 18 જુલાઈના રોજ એક પ્રેસ રીલિઝ જાહેર કરીને ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવની સજા સમાપ્તિનો આરોપ ખોટો છે તેવી સ્પષ્ટતા કરી હતી.
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સીનેટર રજા રબ્બાનીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, સરકાર આખરે આ વટહુકમને અત્યાર સુધી પાકિસ્તાની સંસદમાં રજૂ શા માટે નથી કરી રહી. પાકિસ્તાની વિપક્ષી દળોના કહેવા પ્રમાણે દેશની સંસદને વિશ્વાસમાં લીધા વગર, બંધારણીય જોગવાઈઓનું પાલન કર્યા વગર સરકારે કુલભૂષણ જાધવને લઈ એક વટહુકમ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 20મી મેના રોજ કુલભૂષણ જાધવને લઈ એક વટહુકમ (The International Court of Justice (Review and Reconsideration) Ordinance, 2020) જાહેર કર્યો હતો. આ વટહુકમને પાકિસ્તાને પોતાની સંસદના કોઈ સદનમાં રજૂ નથી કરેલો. પરંતુ પાકિસ્તાનનું વિપક્ષ ઈમરાન સરકાર પર એવો આરોપ મુકી રહ્યું છે કે એક ગુપ્ત વટહુકમ દ્વારા કુલભૂષણ જાધવને રાહત આપવા પ્રયત્ન થઈ રહ્યા છે.
આ વટહુકમ બાદ પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવ પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા વિરૂદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરાવી શકશે. આ સમીક્ષા અરજી વટહુકમ અસ્તિત્વમાં આવે તેના 60 દિવસ સુધીમાં દાખલ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે હોગ ખાતેની આંતરરાષ્ટ્રીય કોર્ટે એમ કહ્યું હતું કે, પાકિસ્તાને કુલભૂષણ જાધવને સંભળાવવામાં આવેલી સજા વિરૂદ્ધ સમીક્ષા અને પુનર્વિચાર અરજી દાખલ કરવાનો અધિકાર આપવો જોઈએ. તે સિવાય વધુ મોડું કર્યા વગર પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાઉન્સિલર મીટિંગની સુવિધા આપે તેમ પણ કહ્યું હતું.
પાકિસ્તાનના કાયદા મંત્રાલયે એમ કહ્યું હતું કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયથી બંધાયેલું છે કે તે કુલભૂષણ જાધવને પોતાની સજા વિરૂદ્ધ સમીક્ષા અરજી દાખલ કરવાનો અધિકાર આપે. કાયદા મંત્રાલયે પાકિસ્તાનના વિપક્ષી દળોને સમજાવતા કહ્યું હતું કે, ત્યાંની સંઘીય સરકાર સામે આંગળી ચીંધવાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાનની ખોટી છબિ બને છે.