અમેરિકા અને યુક્રેનને ફરી મોટો ઝટકો! રશિયાએ ઝેલેન્સ્કીની આ શરત માનવાનો કર્યો ઈનકાર
Russia And Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રોકવા વિશ્વના દિગ્ગજ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દરમિયાનગીરી કરી, તેમ છતાં હજુ સફળતા મળી નથી. યુરોપિયન દેશો ઝેલેન્સ્કીને સમર્થન આપતાં ઈચ્છે છે કે, જો યુદ્ધ અટકાવવામાં આવે તો તેઓ સુરક્ષા ગેરેંટી આપશે. પરંતુ તેમની આ ગેરેંટી વચ્ચે રશિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેણે કહ્યું છે કે પશ્ચિમી દેશો યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવા સક્ષમ નથી.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રશિયન મીડિયા સાથે વાત કરતા કહ્યું, શું વિદેશી, ખાસ કરીને યુરોપિયન અને અમેરિકન લશ્કરી સૈનિકો યુક્રેનને સુરક્ષા અને ગેરંટી આપી શકે છે? બિલકુલ નહીં, તેઓ સક્ષમ નથી. પશ્ચિમી દેશો યુક્રેનને કોઈપણ પ્રકારની સુરક્ષા ગેરંટી આપવા સક્ષમ નથી. આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે, જ્યારે પશ્ચિમી દેશ રશિયા-યુક્રેન મુદ્દે શાંતિ સ્થાપિત કરવા અને સુરક્ષા પ્રદાન કરવા પ્રયાસો કરી રહ્યા છે. આજે જ યુરોપના નેતાઓએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે આ મામલે બેઠક કરી હતી.
આ પણ વાંચોઃ રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરો, ચીન પર પણ દબાણ કરો: યુરોપના દેશોને ટ્રમ્પની 'સલાહ'
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકી રહ્યું નથી
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેને રોકવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. યુદ્ધને કારણે યુક્રેનને ભારે નુકસાન થયું છે. તેના સેંકડો લોકો પણ માર્યા ગયા છે. યુક્રેને પણ રશિયાને ઘણી વખત જવાબ આપ્યો છે. તેણે મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો.
મેક્રોને આપી ગેરેંટી
ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના વડાઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને એક મોટી જાહેરાત કરી કે 'જો યુદ્ધવિરામ થાય, તો 26 દેશો શાંતિ સંરક્ષણ દળમાં સૈનિકો મોકલવા માટે તૈયાર છે. યુદ્ધવિરામ કરારના બીજા જ દિવસે 26 પશ્ચિમી સાથી દેશો યુક્રેનમાં ત્રણેય મોરચે - 'જમીન, સમુદ્ર અને આકાશ' પર તેમના સૈનિકો તૈનાત કરશે.' જોકે, મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે, 'યુરોપિયન સુરક્ષા ગેરંટી ત્યારે જ અસરકારક રહેશે જ્યારે અમેરિકા 'સેફ્ટી નેટ'ની ભૂમિકા ભજવશે. આગામી દિવસોમાં, અમે યુક્રેનની સુરક્ષા ગેરંટી માટે અમેરિકન સહયોગને અંતિમ સ્વરૂપ આપીશું.'