કિમ જોંગ ઉનની બહેનનો ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઘૂરકાટ, કહી દીધી આ વાત
આ વર્ષે કિમ જોંગ ઉન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરે તેવી કોઈ આશા નથી
ઉત્તર કોરિયા, તા. 11 જુલાઈ 2020, શનિવાર
પોતાના સ્પષ્ટ અને તીખા તેવર માટે પ્રખ્યાત ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેવર બતાવ્યા છે. એટલું જ નહીં ટ્રમ્પ સાથે યોજાનારી શિખર વાર્તા પર પણ વિરામ મુક્યો છે.
કિમ યો જોંગે શુક્રવારે જણાવ્યું કે, 'આ વર્ષે તેમના ભાઈ કિમ જોંગ ઉન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરે તેવી કોઈ આશા નથી કારણ કે ઉત્તર કોરિયા પાસે ટ્રમ્પને હાઈપ્રોફાઈલ બેઠકોની ભેટ આપવાનું કોઈ જ કારણ નથી જ્યારે બદલામાં કશું નક્કર ન મળતું હોય.'
કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી સમક્ષ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે ન્યુક્લિયર ડિપ્લોમસી સક્રિય રાખવા માટે અમેરિકા દ્વારા મહત્વની છૂટ આપવાના વચનનો ઉલ્લેખ કર્યો છે. જો કે સાથે જ તમને નથી ખબર ક્યારે શું બની જાય તેમ પણ કહ્યું હતું.
કિમ યો જોંગે જણાવ્યું કે, ચોંકાવનારી કોઈ પણ વાત બની શકે છે અને તે બંને ટોચના નેતાઓના નિર્ણય પર નિર્ભર કરે છે. જો શિખર વાર્તાની જરૂર પડે છે તો તે અમેરિકાની જરૂરિયાત છે. જ્યારે ઉત્તર કોરિયા માટે તે અવ્યવહારિક છે અને તેનાથી ઉત્તર કોરિયાને કોઈ ફાયદો નથી. અમેરિકાનો એક ટોચનો અધિકારી કોરિયા મામલે એશિયામાં છે તેવા સમયે કિમ યો જોંગનું આ નિવેદન સામે આવ્યું છે.
ઉપ વિદેશ મંત્રી સ્ટીફન બીગન સિયોલમાં દક્ષિણ કોરિયન અધિકારીઓ સાથેની મુલાકાત બાદ જાપાન પહોંચ્યા છે. સિયોલમાં તેમણે ઉત્તર કોરિયાના એક વરિષ્ઠ પરમાણુ વાર્તાકાર ઉપર જૂના વિચાર પર અટક્યા રહેવાનો આરોપ લગાવ્યો છે.
તેમની ટિપ્પણીઓથી પ્રતીત થાય છે કે ઉત્તર કોરિયાના દબાણ છતા અમેરિકા વાર્તા ફરી શરૂ કરવાના બદલામાં પ્રતિબંધોમાં છૂટ આપવા નથી માંગતું. હાલ ઉત્તર કોરિયામાં કિમ યો જોંગ પોતાના ભાઈની સૌથી વધુ વિશ્વાસુ છે અને તેના આ તેવર બાદ અમેરિકા કોઈને કોઈ પ્રતિક્રિયા જરૂર આપશે.
કિમ યો જોંગ છે શક્તિશાળી
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ દેશમાં બીજા નંબરનો સૌથી મહત્વનો ચહેરો ગણાય છે. તેણી અનેક વખત ઉત્તર કોરિયાની બહાર પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. એટલું જ નહીં, થોડા સમય પહેલા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો ત્યારે કિમ યો જોંગે સૈન્ય કાર્યવાહીની ધમકી પણ આપી દીધી હતી. તેણીએ દક્ષિણ કોરિયાને દુશ્મન ગણાવીને કહ્યું હતું કે, સરહદ પર સિયોલ બેકાર થઈ ગયેલા લાઈજન ઓફિસનો સર્વનાશ જોશે.
સમગ્ર વિશ્વમાં કિમ જોંગ ઉનની જે છબિ છે તેને તૈયાર કરવામાં તેમની બહેનનું યોગદાન ઘણું વિશાળ છે. 2018માં દક્ષિણ કોરિયામાં વિન્ટર ઓલમ્પિક્સ દરમિયાન કિમ યો જોંગે ઉત્તર કોરિયાના દળનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દક્ષિણ કોરિયાએ જ્યારે ઉત્તર કોરિયાની મિલિટ્રી એક્સરસાઈઝનો વિરોધ કર્યો ત્યારે માર્ચમાં તેણીએ પ્રથમ વખત સાર્વજનિક નિવેદન બહાર પાડીને દક્ષિણ કોરિયા 'ડરેલા કૂતરાની જેમ ભસી રહ્યું છે' તેમ કહ્યું હતું.