- વૈશ્વિક પરિસ્થિતિ ચક્રવાતી બનતી જાય છે : વિશ્લેષકો
- ઉ.કોરિયાએ રશિયાને યુક્રેન યુદ્ધ માટે અઢળક શસ્ત્રો આપ્યાં છે, રશિયાએ બદલામાં 'એ-બોમ્બ' અને મિસાઈલ માટેની ટેકનોલોજી આપી
પ્યોંગ્યાંન : યુક્રેન યુદ્ધમાં સહાય કરવા માટે ઉત્તર કોરિયાના સરમુખ્યાર કીમ-જોંગ-ઉને પુતિનને શસ્ત્રો અને સૈનિકો તો મોકલ્યાં જ છે. પરંતુ રશિયાને હવે તો મજૂરોની પણ ખેંચ પડી રહી છે. તેથી ઉત્તર કોરિયાએ રશિયામાં મજૂરો પણ મોકલવા શરૂ કર્યું છે. વળી આ મજૂરો તો ઓછી રોજીએ પણ રાજી રાજી થઈ જાય છે. તેથી તેઓ યુક્રેન યુદ્ધમાં જરૂરી તેવાં મજૂરી કામો જેવાં કે ટ્રેન્ચો ખોદવી, માટી અને પથ્થરોની આડો બાંધવી વગેરે ખુશી ખુશી થઈ કામ કરી રહ્યાં છે.
વિશ્લેષકો આ ઉપરથી મેકાઇન્ડરના સિદ્ધાંતની યાદ આપતાં કહે છે કે, 'વાસ્તવમાં અત્યારે વિશ્વ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. એક તરફ છે. ચીનથી શરૂ કરી ઉત્તર કોરિયા, રશિયા અને ઈરાનની ભૂમિગત સત્તાઓ તો બીજી તરફ છે અમેરિકાનાં નેતૃત્વ નીચેની અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને ઇટાલી જેવી સમુદ્રીય સત્તાઓ તો અન્ય વિશ્લેષકો ૧૧મી સદીથી શરૂ થયેલાં 'ધર્મયુદ્ધો'ની યાદ આપવા સાથે ઇઝરાયલ, આરબ (પેલેસ્ટાઈનીઓ)નાં યુદ્ધની યાદ આપે છે. તેમાં ઈરાન, હુથી વગેરે પણ હમાસ સાથે જોડાતાં ધર્મ-યુદ્ધોના સમયમાં જેમ એક તરફ ખ્રિસ્તીઓ અને બીજી તરફ ઇસ્લામી પંથીઓ આવી ગયા હતા તેવી પરિસ્થિતિ પણ ઊભી થતી દેખાઈ રહી છે. આમ વિશ્વ બે નહીં ચાર ભાગમાં વહેંચાઈ રહ્યું છે તેવું લાગે છે.


