- યુએસ હુમલાનો ભય અને વકરતા આંદોલનથી ખામેનેઇ પર બેવડું દબાણ
- ખામેનેઇ પોતાની તમામ સંપત્તિ અને પરિવાર સાથે રશિયામાં શરણ લેવાની તૈયારીમાં : બ્રિટનના અખબારનો દાવો
તેહરાન : ઇરાનમાં ઇસ્લામિક શાસન સામે દેશભરના મુસ્લિમો રસ્તા પર ઉતર્યા છે, એવામાં જો વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો ઇરાનના વડા અયાતુલ્લા અલી ખામેનેઇ દેશ છોડીને ભાગવાની તૈયારીમાં છે. ખામેનેઇએ ઉગ્ર વિરોધ જેવા સંજોગોમાં છટકીને રશિયા ભાગી જવા માટે પ્લાન બી તૈયાર કરી રાખ્યો છે. આ ખુલાસો બ્રિટનના અખબાર ધ ટાઇમ્સ દ્વારા કરવામાં આવ્યો છે.
ઇરાનમાં ઇસ્લામિક શાસનનો અંત લાવવા મુલ્લાહ સત્તા છોડોના નારા સાથે લાખો લોકો રસ્તા પર ઉતર્યા છે. જેને પગલે ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇ પર સત્તા છોડવા દબાણ વધ્યું છે. બીજી તરફ અમેરિકા દ્વારા વેનેઝુએલા પર હુમલો અને તેના પ્રમુખ નિકોલસ માદુરોનુ અપહરણ કરવામાં આવતા ઇરાનના વડા ખામેનેઇ પણ ભીસમાં આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ખામેનેઇને ધમકી આપી ચુક્યા છે અને કહ્યું છે કે જો વિરોધ પ્રદર્શન કરનારાઓની હત્યા કરાઇ તો આકરા પરિણામો આવશે. એવામાં હવે ઇરાનના વડા ખામેનેઇ ગમે ત્યારે ઇરાન છોડીને ભાગવાની તૈયારીમાં છે.
બ્રિટનના અખબાર ધ ટાઇમ્સમાં જણાવવામાં આવ્યું છે કે ખામેનેઇએ ઉગ્ર પ્રદર્શનોની સ્થિતિમાં ઇરાન છોડવા માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે. તેઓ પોતાના પરિવાર અને કેટલાક સમર્થકોની સાથે ઇરાન છોડીને રશિયામાં શરણ લઇ શકે છે. એટલુ જ નહીં જતા જતા પણ તેઓ પોતાની સંપત્તિને કબજામાં રાખતા જશે. તેમની પાસે આશરે ૯૫ અબજ ડોલરથી પણ વધુની સંપત્તિ છે. ખામેનેઇ પોતાની સાથે પોતાના પુત્ર મોજતબાને પણ સાથે લઇ જશે. આ પહેલા સીરિયાના પૂર્વ તાનાશાહ શાસક અલ-અસદે પણ આ જ રીતે દેશ છોડીને ભાગી જવાનું પસંદ કર્યું હતું. તેથી ખામેનેઇનો આ પ્લાન સીરિયાના એ શાસક સાથે સરખાવાઇ રહ્યો છે.


