World

ખાલિસ્તાની ત્રાસવાદીઓને કેનેડામાંથી નાણાકીય સમર્થન મળે છેઃ રિપોર્ટ

By GS TEAM
7 Sep 20252 mins read
ખાલિસ્તાની ત્રાસવાદીઓને કેનેડામાંથી નાણાકીય સમર્થન મળે છેઃ રિપોર્ટ

- આતંકવાદ સમર્થક ટ્રુડો ગયા પછી નવી સરકારના સૂર બદલાયા

- બબ્બર ખાલસા  અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન કેનેડામાંથી ફંડ મેળવતા બે મુખ્ય આતંકવાદી સંગઠન

- કેનેડા જ કહે છે કે અમારી ધરતી પર છેક 1980ના દાયકાથી ખાલિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે

ઓટ્ટાવા : કેનેડાના વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોની વિદાય પછી  આવેલી કેનેડિયન સરકારના રીતસર સૂર જ બદલાઈ ગયા છે અને તેણે ખાલિસ્તાની આતંકવાદ પર રીતસર ધોંસ જમાવવા માંડી છ. તેની સાથે ભારતને પણ સંકેત આપ્યો છે કે તેમની સરકાર દરેક પ્રકારના આતંકવાદની વિરોધમાં છે. ટેરર ફાઇનાન્સિંગ પર કેનેડિયન સરકારના રિપોર્ટમાં જણાવાયું છે કે કમસેકમ બે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને કેનેડામાંથી જ નાણાકીય સમર્થન મળે છે. ટ્રુડો વખતે કેનેડા આવો રિપોર્ટ જાહેર કરે તેવી કલ્પના પણ કરી શકાતી ન હતી. 

૨૦૨૫ એસેસેમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક્સ ઇન કેનેડા ટાઇટલવાળા અહેવાલમાં કેનેડામાંથી નાણાકીય સમર્થન મેળવતા બે આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનને ઓળખી કાઢવામાં આવ્યા છે.

કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીએ બે મહિના પહેલાં જ આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કેનેડામાં ૧૯૮૦ના દાયકાના મધ્યાંતરથી રાજકીય રીતે પ્રેરિત આતંકવાદી હિંસાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતના પંજાબમાં ખાલિસ્તાન નામનો દેશ હિંસક કાર્યો દ્વારા રચવા માંગે છે. ખાલિસ્તાની આતંકવાદીઓની જેમ હમાસ અને હીઝબુલ્લાહ પણ કેનેડામાંથી ટેરર ફંડિંગ મેળવે છે. આ બધા આતંકવાદી સંગઠનોને કેનેડામા ક્રિમિનલ કોડ હેઠળ નોંધવામાં આવ્યા છે. આ બધા પોલિટિકિલી મોટિવેટેડ વાયોલન્ટ એક્સ્ટ્રીમિઝમ (પીએમવીઇ)ની કેટેગરીમાં આવે છે. તેઓનું કહેવું છે કે આ ખાલિસ્તાની આતંકવાદીઓ ફક્ત ભારત માટે જ નહીં કેનેડા માટે પણ તેટલા જ જોખમી છે. તે ગમે ત્યારે કેનેડાના હિતો પર પ્રહાર કરી શકે છે. આમ આતંકવાદીઓને કેનેડામાંથી સહાય મળે છે તેવી ભારત સરકારની વાતને કેનેડાની વર્તમાન સરકારે પણ સમર્થન આપ્યું છે.

૨૦૨૨માં ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેકશન્સ એન્ડ રિપોર્ટ્સ એનાલિસિસ સેન્ટર ઓફ કેનેડા (ફિનટ્રેક) મુજબ ટેરર ફાઇનાન્સિંગની પ્રવૃત્તિને લઇને જારી કરેલા એલર્ટમાં જણાવાયું હતું કે હીઝબુલ્લાહ કેનેડાના બહાર જતા ભંડોળમાંથી મોટો હિસ્સો મેળવતું બીજા નંબરનું આતંકવાદી સંગઠન છે. ૨૦૨૫ના એસેસેમેન્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે હમાસ અને હીઝબુલ્લાહે પીએમવીઇ કેટેગરી હેઠળ કેનેડામાંથી સારા એવા સંસાધનો મેળવે છે.

આ બધા જ આતંકવાદી જૂથો મની સર્વિસિસ બિઝનેસીસ અને બેન્કિંગ સેક્ટરો દ્વારા, ક્રિપ્ટોકરન્સી, સ્ટેટ ફાઇનાન્સિંગ, ચેરિટેબલ અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન (એનપીઓ) સેક્ટર તથા ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ભંડોળ મેળવે છે. ખાલિસ્તાનીઓ ફક્ત કેનેડા જ નહીં કેટલાય દેશોમાંતી ભંડોળ મેળવતા હોવાનું કહેવાય છે.