Get The App

'સારું છે, સપના જોતા રહો...' ખામેનાઈએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓની ઠેકડી ઉડાડી

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
'સારું છે, સપના જોતા રહો...' ખામેનાઈએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓની ઠેકડી ઉડાડી 1 - image


US vs Iran News : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ સોમવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના પ્રસ્તાવને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. આ સાથે જ, ખામેનેઈએ ટ્રમ્પના એ દાવાને પણ ઉપહાસપૂર્વક નકારી કાઢ્યો હતો કે અમેરિકાએ હવાઈ હુમલા કરીને ઈરાનના પરમાણુ કેન્દ્રોને નષ્ટ કરી દીધા છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ સમજૂતી બળજબરી કે ધમકીથી કરવામાં આવે, તો તે સમજૂતી નહીં પરંતુ દબાણ અને ડરાવવા-ધમકાવવાની કોશિશ ગણાય.

આ પહેલા, ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલી સંસદમાં કહ્યું હતું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ સમજૂતી થાય તે ખૂબ જ સારી વાત હશે. પરંતુ, ખામેનેઈએ વાતચીતની આ શક્યતાને નકારી કાઢતા કટાક્ષ કર્યો, "અમેરિકા ગર્વથી કહે છે કે તેણે ઈરાનના પરમાણુ ઉદ્યોગને નષ્ટ કરી દીધો છે, સારું છે, આવા જ સપના જોતા રહો!" તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પાસે પરમાણુ સુવિધાઓ હોય કે ન હોય, તેમાં દખલ દેવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી.

પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા, લાંબા સમયથી ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ હથિયારો બનાવવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ઈરાન હંમેશા આ આરોપોને નકારતું આવ્યું છે અને દાવો કરે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને ઉર્જા ઉત્પાદન માટે જ છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં પરમાણુ મુદ્દે પાંચ વખત વાતચીત થઈ ચૂકી છે, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આ વર્ષે જૂન મહિનામાં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાનના કેટલાક પરમાણુ ઠેકાણાઓ પર 12 દિવસ સુધી ચાલેલા હવાઈ હુમલા બાદ આ વાતચીત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. ખામેનેઈના આ કડક વલણથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે અને બંને દેશો વચ્ચે વિશ્વાસના અભાવને કારણે ભવિષ્યમાં કોઈ સમાધાનની શક્યતા હાલ તો મુશ્કેલ દેખાઈ રહી છે.

Tags :