કાશ પટેલની પાર્ટનરનો પોડકાસ્ટર પર રૂ.45 કરોડનો બદનક્ષીનો દાવો

- એફબીઆઇ ડિરેક્ટરની પાર્ટનર એલેક્સિસ વિલ્કિન્સ યહૂદી છે
- પોડકાસ્ટર એલિજાહનો એલેક્સિસ ઇઝરાયેલી જાસૂસ હોવાનો અને કાશ પર પ્રભાવ પાડતી હોવાનો આરોપ
ન્યૂયોર્ક : એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલની પાર્ટનર એલેક્સિસ વિલ્કિંન્સે તેને ઇઝરાયેલી જાસૂસ કહેવા બદલ પોડકાસ્ટર પર ૫૦ લાખ ડોલર (અંદાજે ૪૫ કરોડ રૂપિયા)ના બદનક્ષી દાવો માંડયો છે. કન્ઝર્વેટિવ પોડકાસ્ટર એલિઝાહ તેના પર ઇઝરાયેલી જાસૂસ હોવાનો ખોટો આક્ષેપ કરતી હોવાનો દાવો તેણે કર્યો છે. કોર્ટમાં ફાઇલ દસ્તાવેજ મુજબ એલિજાહે ખોટા આક્ષેપ કરીને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.
ન્યૂઝવીકના જણાવ્યા મુજબ એલિજાહ શાફર અમેરિકામાં જન્મેલી એલેક્સિસ વિલ્કિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો આક્ષેપ પરોક્ષ રીતે કર્યો છે. કોર્ટના ફાઇલિંગમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એલિજાહે આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.
આ ફરિયાદમાં ૧૪મી સપ્ટેમ્બરની ટ્વીટને રજૂ કરવામાં આવી છે. શાફરે આ પોસ્ટને રિટ્વીટ કરીને વાઇરલ કરી હતી અને દાવો કર્યો હતો કે વિલ્કિન્સ એજન્ટ છે અને તેણે તેના સૌંદર્યની જાળમાં એફબીઆઈ વડાને ફસાવ્યા છે. આ લોસુટમાં જણાવાયું છે કે એલિજાહની ટ્વીટમાં આ પ્રકારના શબ્દો હોવા ન છતાં તેનો અર્થ પ્રેક્ષકો સ્પષ્ટપણે સમજી જાય છે.શાફરે આ કેસ અંગે જણાવ્યું હતું કે મારી સામે કરવામાં આવેલો કેસ જ બતાવે છે કે આ બાબત કેટલી મહત્ત્વની છે. મેં વિલ્કિન્સ કોઈ એજન્ટ હોવાની કે મોસાદની એજન્ટ હોવાની ક્યાંય લખ્યું નથી, પરંતુ તેમ છતાં પણ મારા પર કેસ કરાયો છે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે મારી સામે બદનક્ષીનો દાવો આધારવિહીન છે, કેમકે મેં મારી પોસ્ટમાં ક્યાંય વિલ્કિન્સનું નામ સુદ્ધા લખ્યું નથી.
પટેલનો ઉલ્લેખ કર્યો નથી અને તે જાસૂસ હોવાનો કોઈ સીધો આરોપ મૂકયો નથી. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અંગે મેં ઘણી બધી પોસ્ટ કરી હોવાથી મને ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે.

