કાબુલ શાંતિ મંત્રણા પડી ભાંગી : ધૂંધવાયેલું પાક. કહે છે : કાબુલ તો ભારતનું પ્યાદું છે

- કાબુલે તે આક્ષેપોને પાયા-વિહોણા કહ્યા : ભારતે કહ્યું કોઈ પણ ખરાબી કે પરાજય માટે ભારતને દોષ આપવાનું તેને વ્યસન થઈ ગયું છે
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ભારત ઉપર બેફામ આક્ષેપબાજી કરતાં કહ્યું હતું કે, 'કાબુલ તો માત્ર પ્યાદું છે. તેને હથિયાર બનાવી ભારત જ અમારા દેશમાં ત્રાસ વરસાવે છે.'
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારતની છ દિવસની મુલાકાતથી પાકિસ્તાન ધૂંધવાયેલું રહ્યું છે, અને ભારત ઉપર બેફામ આક્ષેપો કરી રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા મિસાઇલ્સ હુમલાથી ધગી ઊઠેલાં અફઘાનિસ્તાનના તાલિબાનોએ પાકિસ્તાનની ચોકીઓ તોડવી શરૂ કરી દીધી છે. તેના ૬૫થી વધુ સૈનિકોને પણ પતાવી દીધા છે.
આથી ધગધગી ગયેલા આસીફે ભારત પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ભારત જ અફઘાનિસ્તાનને પીઠબળ આપી રહ્યું છે.
સૌથી વધુ આંચકાજનક વાત તો તે છે કે તૂર્કી અને કતારની મધ્યસ્થી દ્વારા તૂર્કીના ઈસ્તંબુલમાં તાલિબાનો અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ મંત્રણા ચાલતી હતી, તે દરમિયાન જ પાકિસ્તાનનાં ડ્રોન વિમાનોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. તેથી અફઘાનિસ્તાને કહી દીધું હતું કે, હવે તો અમે સીધો ઈસ્લામાબાદ પર જ હુમલો કરીશું. તેના વળતા જવાબરૂપે પાકિસ્તાને કહ્યું હતું કે હવે જો હુમલા કરવામાં આવશે તો તેનો પચાસ ગણો વળતો ઉત્તર અપાશે.
ટૂંકમાં અત્યારની છૂટી-છવાઈ ઘટનાઓ વ્યાપક યુદ્ધમાં પણ પરિણમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.









