'પાકિસ્તાન માત્ર શાંતિનો દેખાડો કરે છે...', BLA એ ભારતની મદદ માગી, કહ્યું- અમને સ્વતંત્રતા જોઈએ
BLA NEWS : ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડીને બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ. બલૂચિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો પણ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે.

પહલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકીઓના નવ સ્થળોનો નાશ કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, શનિવારે અચાનક બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતા બલોચ બળવાખોરો નિરાશ થયા હતા. બલોચ બળવાખોરોની બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામ અંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે ન તો કોઈનું મહોરું છે અને મૂકદર્શક પણ નથી.
બીએલએએ જણાવ્યું હતું કે, માતૃભૂમિ બલૂચિસ્તાન પર અમારો સશસ્ત્ર સંઘર્ષ એ બાબતનું પ્રમાણ છે કે બલૂચ રાષ્ટ્ર કોઈપણ બાહ્ય સૈન્ય અથવા નાણાકીય સહાયતા વિના પોતાની ધરતી પર દુનિયાના સાતમી પરમાણુ સત્તાને હરાવી રહી છે. અમે પર્વતીય મોરચા, શહેરી મોરચા અને દરેક અન્ય મોરચા પર દુશ્મનને નિઃસહાય કરી દીધા છે. અમને દુનિયાનું વિશેષરૂપે ભારતનું રાજકીય, કૂટનીતિક અને સુરક્ષાનું સમર્થન મળે તો બલૂચ રાષ્ટ્ર આતંકવાદી દેશ પાકિસ્તાનને ખતમ કરી શકે છે અને એક શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સ્વતંત્ર બલૂચિસ્તાનનો પાયો નાંખી શકે છે. આ એવું બલૂચિસ્તાન હશે, જે ઉપમહાદ્વીપમાં આતંકવાદની નિકાસને સ્થાયીરૂપે રોકવાની સાથે આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો એક નવો અધ્યાય પણ શરૂ કરશે.
બીએલએએ ભારતને યુદ્ધવિરામ અંગે સાવધ રહેવા માટે ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે પાકિસ્તાનનો શાંતિનો દાવો માત્ર દેખાડો છે. પાકિસ્તાનના વચન પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. બીએલએએ ભારતને વિશ્વાસ અપાવ્યો કે તે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો પાકિસ્તાને પૂર્વીય અને પશ્ચિમી એમ બે મોરચે લડવું પડશે. પાકિસ્તાન માટે આ યુદ્ધ નિર્ણાયક બની શકે છે. બીએલએએ ત્યાં સુધી કહ્યું કે, પાકિસ્તાનને ખતમ કર્યા સિવાય દક્ષિણ એશિયામાં ક્યારેય શાંતિ શક્ય નથી.
બીએલએએ કહ્યું કે, બલૂચ લિબરેશન આર્મી હાલ ચાલી રહેલા અને વધતા સંઘર્ષો તથા પ્રાદેશિક તણાવોની પૃષ્ઠભૂમિમાં પોતાની સ્પષ્ટ સ્થિતિ પ્રસ્તૂત કરે છે. બીએલએ સ્વતંત્ર બલૂચિસ્તાન માટેની એક નિર્ણાયક પાર્ટી છે. તે કોઈનું મહોરું નથી કે મૂક પ્રેક્ષક નથી. આ ક્ષેત્રના વર્તમાન અને ભવિષ્યના સૈન્ય, રાજકીય અને રણનીતિક રચનામાં અમારું પોતાનું યોગ્ય સ્થાન છે અને અમે અમારી ભૂમિકાથી સંપૂર્ણપણે માહિતગાર છીએ.