Joe Biden Statement: અમેરિકાના પ્રમુખ પદ પરથી વિદાય લઈ રહેલા જો બાઈડેને તાજેતરમાં યોજાયેલી ચૂંટણી અંગે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, 'હું નવેમ્બર 2024માં યોજાયેલી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શક્યા હોત, પરંતુ ડેમોક્રેટિક પાર્ટીની એકતા ખાતર તેમણે ચૂંટણીની વચ્ચે જ મારી ઉમેદવારી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.'
'પક્ષને એક કરવું મહત્તવપૂર્ણ છે'
અહેવાલો અનુસાર, શુક્રવારે (10મી જાન્યુઆરી) વ્હાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં જો બાઈડેનને પૂછવામાં આવ્યું હતું કે, 'શું તમને ચૂંટણી ન લડવાના તમારા નિર્ણયનો અફસોસ છે? શું તમને લાગે છે કે તમે ટ્રમ્પને તમારા ઉત્તરાધિકારી બનવાની સરળ તક આપી?' આ સવાલના જવામાં જો બાઈડેને જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હું ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શક્યો હોત. જોકે, મને લાગે છે કે કમલા હેરિસ ટ્રમ્પને હરાવી શક્યા હોત. પરંતુ પક્ષને એક કરવું મહત્તવપૂર્ણ છે. જ્યારે પાર્ટીને ચિંતા હતી કે હું આગળ વધી શકીશ કે નહીં, ત્યારે મેં વિચાર્યું કે પાર્ટીને એક કરવી વધુ સારું રહેશે. જો કે મને લાગ્યું કે હું ફરીથી જીતી શકું છું.'
આ પણ વાંચો: દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે
ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં એટલાન્ટામાં પ્રમુખ પદના ઉમેદવારો વચ્ચે થયેલી ચર્ચામાં 82 વર્ષીય જો બાઈડેનનું પ્રદર્શન ખાસ નહોતું. ત્યારબાદ તેમના જ પક્ષના સભ્યોએ બાઈડેનના આ પદ માટેની રેસમાંથી ખસી જવાની કહ્યું હતું. જોકે બાદમાં જો બાઈડેને અમેરિકાના પ્રમુખ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો.


