પાકિસ્તાનને બચાવવા અક્સાઈ ચીનમાં જિનપિંગે સૈનિકો તૈનાત કર્યા : ચીની નિષ્ણાતો
ભારત-પાકિસ્તાન ઘર્ષણ અંગે નિષ્ણાતોના દાવા
ભારતીય સૈન્યને ૪-૫ દિવસ વધુ મળ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત, ભારતમાં આતંકી હુમલાને યુદ્ધ જ ગણાશે ઃ સૈયદ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હાલ હળવી થઈ છે. બંને દેશોએ યુદ્ધવિરામ સ્વીકાર્યો છે ત્યારે ચીનની શિન્હુઆ યુનિવર્સિટીના પ્રોફેસર માઓ કેજી અને સાઉથ એશિયન રિસર્ચ ગૂ્રપના ચેન ઝાઉએ જણાવ્યું કે, પાકિસ્તાનના બચાવ માટે ચીને તેના સૈનિકોને અક્સાઈ ચીનમાં તૈનાત કર્યા છે. ભારતની સૈન્ય કાર્યવાહી પહેલા પાકિસ્તાન માટે મજબૂત સમર્થન જાહેર કરીને ચીન ભારતનું આક્રમણ રોકવા માગતું હતું, પરંતુ ભારતે મંગળવાર-બુધવારની રાતે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધા પછી આવા નિવેદનોને કોઈ સ્થાન હોતું નથી.
જોકે, ત્યાર પછી ચીન વાતચીતનો આગ્રહ કરવા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે પોતાના વધુ પારંપરિક વલણ પર આવી ગયું હતું. નિવેદનોમાં આ સૂક્ષ્મ ફેરફાર પ્રાદેશિક સ્થિરતા અને તેની જવાબદારીની ભાવના માટે ચીનની ગંભીર ચિંતા દર્શાવે છે.
બીજીબાજુ ભારતના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયો છે, પરંતુ ભારતે હજુ સાવચેતી રાખવાની જરૂર છે. ભારતીય સૈન્યને ૪-૫ દિવસ વધારે મળી ગયા હોત તો પરિસ્થિતિ કંઈક જુદી હોત. પાકિસ્તાનનો ઈતિહાસ અને આર્મી ચીફ આસિમ મુનીરની રણનીતિ મુજબ તેઓ આગામી ચાર-પાંચ મહિનામાં ફરીથી ભારતમાં મોટો આતંકી હુમલો કરી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામને આવકારતા તેમણે કહ્યું કે, ભારતે આ વખતે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈપણ આતંકી હુમલાને યુદ્ધની કાર્યવાહી જ માનવામાં આવશે. દરેક વખતે પાકિસ્તાને જ તણાવ વધાર્યો છે. ભારતે આગામી સમયમાં વધુ સાવધ રહેવાની જરૂર છે.
દરમિયાન ચીન યુદ્ધવિરામ અંગે પાકિસ્તાનની પીઠ થાબડી ચૂક્યું છે અને તેણે ભારત વિરુદ્ધ પ્રોપેગેંડામાં પાકિસ્તાનની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પાકિસ્તાની સૈન્યના સૂત્રોને ટાંકીને દાવો કર્યો કે પાકિસ્તાનના સાયબર હુમલામાં ભારતનો ૭૦ ટકા વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, બેઈજિંગમાં ભારતીય દૂતાવાસે આ દાવાને 'ખોટો' ગણાવ્યો છે.