દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાની પુત્રી જીંજી મંડેલાનું અવસાન
૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના રાજદૂત હતા
૫૯ વર્ષે જોહાનિસબર્ગની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
જોહાનિસબર્ગ,૧૩,જુલાઇ,સોમવાર
દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાતા સ્વ નેલસન મંડેલાની પુત્રી જિંજી મંડેલાનું સોમવારના રોજ ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. જિંજી મંડેલા ડિસેમ્બર ૨૦૧૫થી ડેન્માર્કમાં દક્ષિણ આફ્રિકાના રાજદૂત તરીકે સેવા આપતા હતા. તેઓ રંગભેદ સામે ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરનારા નેલસન મંડેલાની બીજા ક્રમનું સંતાન હતા. સરકારી ટેલિવિઝન સાઉથ આફ્રિકા બ્રોડ કાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા મળેલી જાણકારી મુજબ જિંજીનું જોહાનિસબર્ગ ખાતેની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. જીંજીનું મોત કેવી રીતે થયું તે અંગે જાણી શકાયું નથી.
૧૯૮૫માં શ્વેત અલ્પ સંખ્યક સરકારે જયારે નેલ્સન મંડેલાને જેલમાંથી છોડવા માટે શરત રાખી ત્યારે જીંજી પ્રથમવાર જાહેરમાં ચર્ચામાં આવી હતી. દક્ષિણ આફ્રિકામાંએ સમયે રંગભેદ સામે અવાજ ઉઠવાની શરુઆત થઇ હતી. જીંજી મંડેલાએ એક જાહેર બેઠકમાં આ પ્રસ્તાવનો અસ્વીકાર કરીને શરતી છોડવાનો પત્ર વાંચ્યો હતો. આ ઘટનાક્રમની વિશ્વના તમામ મીડિયાએ નોંધ લીધી હતી અને વીડિયો પ્રસારણ પણ થયું હતું.વિશ્વમાં રંગભેદ સામે ચાલતી લડતમાં નેલ્સન મંડેલા એક હિરો તરીકે ઉભર્યા હતા ત્યારે જીંજી પણ તેમાં સક્રિય ભાગ લેતી હતી.
જો કે જીંજી રંગભેદ વિરોધી સ્વતંત્રતા સંગ્રામના હિરોની દીકરી તરીકે જ નહી પરંતુ પરંતુ પોતાના અધિકારો માટે લડનારી એક સ્વતંત્ર આંદોલનકારી તરીકે પણ યાદ રાખવામાં આવશે. તેને અંત સુધી પોતાના દેશની સેવા કરી હતી, જીંજી ચાર બાળકોની માતા હતી તેના અવસાનથી દક્ષિણ આફ્રિકાના રાજકિય દિગ્ગજોએ શોકની લાગણી વ્યકત કરીને દેશભકત ગણાવી હતી.