અમેરિકામાં યહૂદીઓના કાર્યક્રમમાં ફરી હુમલો, ભીડ પર બોમ્બ ઝીંક્યો, FBIએ આતંકી ઘટના ગણાવી
US Attack on Jewish: અમેરિકાના કોલોરાડોમાં એક શખ્સે યહૂદી કાર્યક્રમ દરમિયાન હુમલો કરી દીધો હતો. મોલોટોવ કૉકટેલ(જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલ)થી કરવામાં આવેલા આ હુમલામાં આશરે 6 લોકો દાઝી ગયા હતા. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ફ્રી પેલેસ્ટાઇન જેવા નારા લગાવવામાં આવ્યા હતા. હાલ, પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. FBI(ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.
પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો
મળતી માહિતી મુજબ, કોલોરાડોના બોલ્ડરમાં ઈઝરાયલના બંધકોની યાદમાં એક સમૂહ ભેગું થયું હતું. આ દરમિયાન એક શખ્સે ભીડ પર મોલોટોવ કૉકટેલ્સ ફેંક્યું હતું. આ સાથે તેણે ફ્લેમથ્રોઅપરથી હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે. હુમલાખોરે ભીડ પર હુમલો કરતી વખતે પેલેસ્ટાઇનને આઝાદ કરવાનો નારો લગાવ્યો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં નવી ચલણો નોટો જાહેર, શેખ મુજીબુર રહેમાનની જગ્યાએ જુઓ કઈ તસવીર લગાવી
6 લોકો થયા ઈજાગ્રસ્ત
બોલ્ડર પોલીસ પ્રમુખ સ્ટીફન રેડફર્ને જણાવ્યું કે, એક શખ્સના હથિયાર લઈને ફરવા અને લોકોને બાળી નાંખવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા 6 લોકોમાં તમામની ઉંમર 67થી 88 વર્ષની વચ્ચે છે. તમામ લોકોને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક દર્દીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હુમલાખોર પોતે પણ થયો ઈજાગ્રસ્ત
હાલ હુમલાખોરને લઈને પોલીસે વધુ જાણકારી નથી આપી. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને આરોપીએ એકલાએ જ અંજામ આપ્યો હતો અને ઘટનાસ્થળ પર કોઈ અન્ય શંકાસ્પદ વ્યક્તિ જોવા નથી મળી. ખાસ વાત એ છે કે, આ હુમલામાં હુમલાખોર પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ઈજા કેટલી અને કેવી છે?
FBIના ડેપ્યુટી ડિરેક્ટરે લખ્યું કે, 'શરુઆતી જાણકારીના આધારે આ આતંકવાદી ઘટનાની તપાસ વિચારધારા પ્રેરિત હિંસાની ઘટનાના રૂપે કરવામાં આવી રહી છે. તથ્ય સામે આવ્યા બાદ આ ઘટના પર સ્પષ્ટ વાત કરવામાં આવશે.'